ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 માર્ચ 2021 (13:12 IST)

ગૃહમંત્રીએ કહ્યું ભૂમાફિયાની શાન ઠેકાણે લાવવી એ જ અમારો નિર્ધાર

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવાના મક્કમ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ જેના પરિણામે પ્રજાના આશીર્વાદ અમારા પર ઉત્તરોત્તર વરસી રહ્યા છે. ગરીબ-મધ્યમ પરિવારો તથા ખેડૂતોની જમીન પચાવી પાડનારને નશ્યત કરવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ સામેનો કાયદો લાવ્યા છીએ જેનાથી લોકો ખૂબ જ આનંદીત છે. 
 
આજે વિધાનસભામાં જૂનાગઢ ખાતે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબિશન) એકટ,  ૨૦૨૦ હેઠળના કેસો ચલાવવા માટેની ખાસ કોર્ટની રચનાને લગતા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબીંગની ફરીયાદો સંદર્ભની ૫૭ અરજીઓ મળી છે. સમગ્ર રાજ્યમાં કમિટીની ભલામણને આધારે ૧૩૩ એફ.આઇ.આર. થઇ છે. ૧૧૪ ચાર્જશીટ પણ દાખલ કરીને ૩૧૭ જેટલા ભુમાફિયાઓને જેલના હવાલે ધકેલી દેવાયા છે. સમગ્ર રાજ્યમાં ૧,૩૮૪ વીઘા જેટલી જમીન તેમના મુળ માલીકોને પરત કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.
 
મંત્રીએ ઉમેર્યું હતું કે આવા ભૂમાફીયાઓ રાજ્યમાં અન્ય કોઇ ગુના ન કરે તે માટે રાજ્યની સ્ટેટ ક્રાઇમ બ્રાંચ દ્વારા જરૂરી ટ્રેક રેકર્ડ રાખવામાં આવે છે જેના પરિણામે આવા તત્વોને વધુમાં વધુ જેલમાં રાખી શકાય. 
 
મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટીવંત આયોજન અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં આજે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયરૂપાણી દ્વારા ગરીબ પરિવારોને મદદરૂપ થવા આ કાયદો બનાવ્યો છે જેના પરિણામે આજે રાજ્યભરમાંથી સરકારને આશિર્વાદ મળી રહ્યા છે અને રાજ્યમાં પ્રવર્તી રહેલ ઉત્તમ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે આજે સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં ૯૦ ટકા બેઠકો ભાજપના ફાળે આવી છે. એટલે પ્રજા સરકારની કામગીરીથી સંપૂર્ણ સંતુષ્ટ છે.
 
મંત્રીએ વધુમાં ઉમેર્યું છે કે ગુજરાતનો જે રીતે સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે તેના પરિણામે રાજ્યમાં જમીનના ભાવ ખૂબ વધ્યા છે જેના કારણે આવા ભૂમાફીયા અસ્તિત્વમાં આવ્યા છે. રાજ્યના ગરીબ ખેડૂતો અને લોકોને ભોળવીને ખોટા દસ્તાવેજો કરાવીને જમીન પચાવી ન પાડે તે માટે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિથી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી સંવેદનશીલ સરકાર આ કાયદો લાવી છે. તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. 
 
આ માટે રૂા. ૨ હજારના ટોકન ભાવે સ્થાનિક જિલ્લા કક્ષાએ ઉચ્ચ્કક્ષાની સમિતિને અરજી કરવાની હોય છે તેમજ કલેકટર પણ સુઓ-મોટો કાર્યવાહી કરીને કામગીરી કરી શકે છે. જે માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષપણામાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક અને મ્યુનિસીપલ કમિશ્નરનો સમાવેશ કરતી ઉચ્ચ સમિતિની રચના કરી છે. જે ૨૧ દિવસમાં અરજી અંગે નિર્ણય લઇને એફ.આઇ.આર. કરવા સુચના આપે છે. પોલીસતંત્ર એફ.આઇ.આર. સંદર્ભે ૭ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવાની કડક સુચના પણ આપે છે. 
 
મંત્રીએ ઉમેર્યું હતું કે અમારી સરકાર રાજ્યમાં કાયદો વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે કોઇ કચાશ રાખવા માંગતી નથી. આ માટે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિથી કાયદાઓમાં સુધારા કરવામાં આવેલ છે તેમજ ગુંડા નાબુદી ધારા જેવા કડક કાયદા પણ લાવવામાં આવ્યા છે તેના પરિણામે ગુંડાઓમાં પણ હવે ફફડાટ પેદા થયો છે.