રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 11 માર્ચ 2024 (18:30 IST)

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે ગુજરાતને આપી 1575 કરોડના ત્રણ પ્રોજેક્ટ્સની ભેટ

bhupendra patel
• અમદાવાદમાં 1295 કરોડના ખર્ચે સાબરમતી નદી પર 8 માર્ગીય શાસ્ત્રી બ્રિજ સહિત નારોલથી સરખેજ જંક્શન સિક્સ લેન એલિવેટેડ કોરિડોર
• નેશનલ હાઈવે-58 પર વાવ ચોકડી-સતલાસણા-ખેરાલુ સુધીના 23 કિલોમીટરના માર્ગને 151 કરોડના ખર્ચે ફોર લેન કરાશે
• અમરેલીના ગાવડકા ચોકડીથી બગસરા સુધીના 19 કિલોમીટર માર્ગને 129 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરાશે
 
અમદાવાદ, 11 માર્ચ 2024, વડાપ્રધાન મોદીએ એક જ દિવસમાં 1 લાખ કરોડથી વધુની 114 પરિયોજનાઓના હરિયાણાથી વર્ચ્યુઅલી લોકાર્પણ-શિલાન્યાસ કર્યા હતા.આ પરિયોજનાઓ પૈકી ગુજરાતને 1575 કરોડ રૂપિયાના કુલ 53 કિલોમીટરના ત્રણ કામોની ભેટ આપી હતી. જેમાં 53 કિલોમીટર લંબાઇના ત્રણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.પ્રથમ પ્રોજેક્ટ અન્‍વયે અંદાજે 1295 કરોડના ખર્ચે અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-47 પર સાબરમતી નદી પર 8 માર્ગીય શાસ્ત્રી બ્રિજ સહિત નારોલ જંકશનથી સરખેજ જંકશન સુધી 10.630 કિલોમીટરના 6 માર્ગીય એલિવેટેડ કોરિડોરનું બાંધકામ કરાશે.
 
સરખેજ સુધીના હાઇવે પર એલીવેટેડ કોરીડૉર
અમદાવાદમાં નારોલથી સરખેજ સુધીનો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-47 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાંથી પસાર થાય છે. અમદાવાદ શહેરી વિસ્તાર જુહાપુરા અને નારોલ વિશાલા વચ્ચે ટ્રાફિક જામની ભારે સમસ્યા તથા ક્રોસ ટ્રાફિકના કારણે થતા અકસ્માતના લીધે બ્લેકસ્પોટ બને છે. આ સમસ્યાઓનું નિવારણ કરવા માટે વિશાલાથી સરખેજ સુધીના હાઇવે પર એલીવેટેડ કોરીડૉર બનાવવાનું ભારત સરકાર દ્વારા નક્કી કરાયું છે. આ રસ્તા પર સાબરમતી નદી પરના હયાત શાસ્ત્રી બ્રીજના સ્થળે નવા 8 માર્ગીય પુલનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. બીજા પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-58 વાવ ચોકડી, સતલાસણા થી વૃંદાવન ચોકડી, ખેરાલુ સુધીના 23 કિમી હયાત બે માર્ગીય રસ્તાને ચાર માર્ગીય કરણની કામગીરી ભારત સરકાર દ્વારા 151 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી છે.
 
અમરેલીમાં પણ એક પ્રોજેક્ટ મંજૂર થયો
ત્રીજો પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા માટે મંજુર થયો છે. તેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-351ના ગાવડકા ચોકડીથી બગસરા સુધીના 19.973 કિ. કિલોમીટરની લંબાઈના રસ્તાનુ રૂપિયા 129 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવાની કામગીરી હાથ ધરાશે.આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 પર સામખીયાળીથી સાંતલપુર ધોરીમાર્ગનું 6 માર્ગીયકરણ,રાષ્ટ્રીય ધોરીમાર્ગ-147 પર ઇસ્કોન જંકશન થી સાણંદ જંકશન વચ્ચે 4 કિ.મી.ના એલિવેટેડ કોરીડોરનું 530 કરોડના ખર્ચે નિર્માણ,રાષ્ટ્રીય ધોરીમાર્ગ 168-જી પર મહેસાણાથી ઇડર રસ્તાના કુલ 81.300 કિ.મી. રસ્તાનું 1155 કરોડના ખર્ચે ચાર માર્ગીયકરણ, ચિલોડા નજીક સાબરમતી નદી પર 68 કરોડના ખર્ચે 8 માર્ગીય બ્રીજની કામગીરી જેવા કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવેલું છે.