રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 ઑક્ટોબર 2017 (13:52 IST)

રવિવારથી વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે. રોરો ફેરીનું લોકાર્પણ કરશે

ભાવનગર જિલ્લાના વિકાસની નવી ક્ષિતીજો ખોલનાર ઘોઘા-દહેજ ફેરી સર્વિસનું રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરાશે પ્રથમ પેસેન્જર ફેરી બોટમાં નરેન્દ્રભાઈ  મોદી ઘોઘાથી દહેજની મુસાફરી કરશે. અલબત્ત ડિસેમ્બરમાં ઘોઘા ખાતેનો લિન્ક સ્પાન લાગી ગયા બાદ પૂર્ણત: રો-રો ફેરી સર્વિસ શરૂ થશે, જેમાં 150 મોટા વાહનો અને 1000 મુસાફરોની સમાવેશ કરાશે ભાવનગરથી દહેજ વચ્ચેનું સડક માર્ગનું અંતર 310 કિ.મી. છે, જે ઘોઘા-દહેજ વચ્ચે દરિયાઇ માર્ગે ફક્ત 31 કિ.મી.નું થઇ જશે, ઘોઘા ખાતેનું ટર્મિનલ સંપૂર્ણ કાર્યરત થયા બાદ સરકારની ઘોઘાથી મુંબઇ, ઘોઘાથી હજીરા (સુરત) વચ્ચે પણ ફેરી સર્વિસ ચલાવવાની યોજનાઓ છે. મરિન એન્જીનિયરિંગની દ્રષ્ટિએ વિકટ ગણાતા ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટને સાકાર બનાવવા માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડના તમામ અધિકારીઓ, કર્મચારીઓ દિવસ રાત એક કરી રહ્યા હતા. આ બે દિવસના ગુજરાત પ્રવાસમાં પીએમ મોદી ભરૂચ ખાતે નર્મદા વોટર પમ્પિંગ સ્ટેશન અને કંડલા ખાતે રાજ્યના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સાથે જ ગાંધીનગર ખાતે આફ્રિકન વિકાસ બેંકના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકતો વધી ગઇ છે. અને ચૂંટણીની તારીખ લાગુ થાય અને આચાર સંહિતા લાગુ થાય તે પહેલા ભાજપ અને મોદી સરકાર તેમના મહત્વના પ્રોજેક્ટનું લોકાપર્ણ કરીને તેમની સરકારે વિકાસનો કેવા વાવટો ફરકાવ્યો છે તે બતાવી દેવા માંગે છે. જેથી ચૂંટણી વખતે આ તમામ વસ્તુઓ ગણાવી શકાય.