રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 20 જુલાઈ 2024 (08:05 IST)

ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, દ્વારકામાં 2 કલાકમાં 9 ઈંચ

heavy rain in gujarat
heavy rain in gujarat
કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યું હતું. જેમાં પોરબંદરમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. દ્વારકા શહેરમાં 2 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ થયો.. સાંજે 4થી 6 વાગ્યા સુધી દ્વારકામાં 9 ઈંચથી વધુ વરસાદ થયો. જેના કારણે દ્વારકાના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. દ્વારકાના ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, મટકી ચોક અને તોતાત્રી મઠમાં પાણી ભરાયા છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.
 
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી. કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે વરસાદને પગલે વાહન ચાલકોને હાલાકી પડી હતી. ભાટીયાથી હર્ષદ તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા. રોડ પરના વરસાદી પાણીમાં રીક્ષા ફસાઈ હતી. સ્થાનિકોએ રીક્ષાને ટ્રેકટરની મદદથી બહાર કાઢી.

 
 છેલ્લા બે દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ટ્વેટન્ટી-ટ્વેન્ટી અંદાજમાં વરસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરુચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.
 
ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી રાજ્યના 41 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. સૌથી વધુ પોરબંદરના 17 રસ્તા બંધ કરવા પડ્યા છે.. તો જૂનાગઢના 12 રસ્તા બંધ કરવા પડ્યા છે. 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તક રસ્તા અને અન્ય 10 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે.  ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે અનેક રૂટ પર એસટી બસ સેવા બંધ કરવાની ફરજ પડી છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ ડિવિઝનના 26 રૂટ પર એસટી બસો બંધ કરાઇ છે. પોરબંદર ડિવિઝનના 9 રૂટ પર બસો બંધ કરાઇ છે તો ગીર સોમનાથના 4 રૂટ પર બસ સેવા બંધ કરાઇ છે.