ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (10:52 IST)

ભારે વરસાદથી વડોદરામાં સ્થિતિ ચિંતાજનક, જળાશયો ભરાયાં અને હજારો લોકોને ખસેડાયાં

rain in ahmedabad
રાજ્યમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર થઈ છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં હજુ પણ બે ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની પડશે.
 
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યો છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
 
ગુજરાતમાં ભારે વરસાદના આગાહીના પગલે મંગળવારે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી પ્રાથમિક અને માધ્યમીક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
 
સોમવારે ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં અને લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.
 
માહિતી વિભાગ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 17 હજાર 827 લોકોનું સ્થળાંતર તેમજ એક હજાર 653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 13 અને SDRFની 22 ટીમ તહેનાત કરવામાં આવી છે.
 
સતત પડી રહેલા વરસાદના કારણે ગુજરાતનાં જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. રાજ્ય સરકારે જણાવ્યું કે ગુજરાતના 206 ડેમમાંથી 59 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. સાથે-સાથે 72 ડેમ હાલ હાઈ એલર્ટ ઉપર છે.
 
કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેકટરોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે.
 
અનેક વિસ્તારોમાં રેકૉર્ડ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં નદીઓ ઓવરફ્લો થતાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં થયો છે. અહીં 24 કલાકમાં 356 મી.મી. વરસાદ પડ્યો છે.
 
ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગ જિલ્લામાં 244 મી.મી. વરસદ પડ્યો છે, જેમાં સૌથી વધુ આહવા તાલુકામાં થયો છે.
 
દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે.
 
મૂળીમાં 210 મી.મી., રાજકોટમાં 209 મી.મી., હળવદમાં 174 મી.મી. ચોટીલામાં 194 મી.મી, સંતરામપુરમાં 191 મી.મી, શહેરામાં 180 મી.મી. અને કરજણમાં 157 મી.મી. વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
 
માહિતી વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 244 તાલુકામાં વરસાદ પડ્યો છે. સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમનો સરેરાશ 91.99 ટકા વરસાદ થયો છે.
 
22 જળાશયો એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યનાં નવ ડેમમાં છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે અને સાત નદીઓ ઓવરફ્લો થઈ છે.
 
ગુજરાતના મુખ્ય ડેમ સરદાર સરોવર ડેમમાં 2 લાખ 96 હજાર અને 459 મિલીયન ક્યુબિક ફીટ (MCFT) પાણી છે, જે ડેમની કુલ ક્ષમતાનો 88.74 ટકા છે.
 
વરસાદને કારણે વીજ પુરવઠાને, માર્ગોને કે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાને મોટી અસર થઈ છે. સમગ્ર રાજ્યમાં 23 ગામડાઓમાં છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકો મુશકેલ સ્થિતિમાં મૂકાયા છે. રાજ્ય સરકારે સ્થિતિ પૂર્વવત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે.
 
રાજ્યમાં હાલ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં મળીને કુલ 523 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે.
 
 
વડોદરામાં સ્થિતિ ચિંતાજનક
સોમવારે વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયાં હતાં. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે લોકોને દૈનિક વસ્તુઓની ખરીદી કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.
 
વડોદરા મહાનગરપાલિકા અનુસાર ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે આજવા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેનાં કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.
 
વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું કે, પરિસ્થિતિ બહુ ગંભીર છે. લોકોને વિનંતી છે કે જો જરૂર ન હોય તો ઘરની બહાર નિકળવાનું ટાળો. ઝડપી પવનના કારણે શહેરમાં 85 વૃક્ષો ધરાશાઈ થઈ ગયા છે.
 
આવી જ સ્થિતિ સુરત, નવસારી અને વલસાડ શહેરની છે. સતત વરસાદના કારણે તાપી જિલ્લામાં આવેલી ઉકાઈ ડેમમાં પણ સતત જળસ્તર વધી રહ્યું છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાના 119 રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે, જમાં ત્રણ સ્ટેટ હાઈવે છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 1573 લોકોને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.