શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 ઑગસ્ટ 2022 (12:26 IST)

વિશ્વભરમાં યોગનો પ્રચાર કરનાર યોગગુરુ રાજર્ષિ મુનિજી બ્રહ્મલીન થયા

yog guru
પૂજ્ય સંત યોગાચાર્ય કૃપાળુ મહારાજના પરમશિષ્ય એવા રાજર્ષિ મુનિજી બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મલીન થયા છે. તેમના બ્રહ્મલીન થયાના સંદેશ સાંભળી સમગ્ર ગુજરાતમાં શોક વ્યાપી ગયો છે. તેમણે માત્ર સમગ્ર ગુજરાત અને ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં અષ્ટાંગ યોગનો પ્રચાર-પ્રસાર કર્યો છે.

ગુજરાત ખાતે જાખણ-લીમડી, અસા-રાજપીપળા, કાયાવરોહણ-ડભોઇ, કંજેઠા-મોરબી, મોટાભેળા-ડભોઇ, મલાવ-પંચમહાલ તથા ઉત્તરપ્રદેશ રાજ્યના હરિદ્વાર ખાતે આશ્રમો સ્થાપી યોગનો પ્રચાર-પ્રસાર કર્યો છે. એટલું જ નહીં વિદેશોમાંથી પણ યોગશિક્ષણ પ્રાપ્ત કરવા લોકો મુનિશ્રી પાસે આવતાં હતાં. આ ઉપરાંત તેમણે અમદાવાદ ખાતે લકુલીશ યોગ યુનિવર્સિટીની સ્થાપના પણ કરી હતી. તેમને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પરમ પૂજ્ય રાજર્ષિ મુનિજીના અંતિમ દર્શન આજ રોજ સવારે મલાવ કૃપાલુ આશ્રમ ખાતે, બપોરે કાયાવરોહણ આશ્રમ, ડભોઈ ખાતે રાખવામાં આવેલ છે. તેમની અંતિમ વિધિ જાખણ- લીમડી ખાતે રાખવામાં આવેલ છે.રાજર્ષિ મુનિ બ્રહ્મલીન થતાં પીએમ નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલી પાઠવી છે. તેમણે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે અને કહ્યું કે, 'લકુલીશ પરંપરાના કુલગુરૂ સ્વામિ રાજર્ષિ મુનિના બ્રહ્મલીન થયાના સમાચાર દુ:ખદ છે. તેઓએ વર્ષો સુધી યોગના સંવર્ધન અને વિકાસનું કાર્ય કર્યું. સદ્ગતના આત્માની શાંતિ માટે અંતરમનથી પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના'

રાજર્ષિને યોગ રત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજર્ષિ મુનિને ખૂબ જ ગાઢ સંબંધો હતા. રાજર્ષિ મુનિજીના વિશ્વમાં ખૂબ જ મોટી સંખ્યામાં અનુયાયીઓ છે.