મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 ઑગસ્ટ 2022 (09:32 IST)

વ્યાયામ નગરી વડોદરાની યશકલગીમાં વધારો ! ચાની લારી ચલાવીને ગુજરાન ચલાવનારના પુત્રએ કિક બોક્સિંગ ટુર્નામેન્ટમાં જીત્યો ગોલ્ડ મેડલ

Son of tea lorry driver wins gold medal
વડોદરાના ચા વેચનારના પુત્રએ ચેન્નાઈમાં યોજાયેલી કિક બોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને વડોદરા સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ જીત બાદ તે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરીને દેશ અને પરિવારનું નામ રોશન કરવા માંગે છે. 
 
વાત છે વડોદરાના એક સામાન્ય પરિવારમાંથી આવતા ૨૨ વર્ષના ઓમકાર ભાલઘરેની, કે જેમણે તમિલનાડુના ચેન્નૈઇમાં ૧૮/૦૮/૨૦૨૨ થી ૨૨/૦૮/૨૦૨૨ દરમિયાન યોજાયેલી ‘વાકો ઈન્ડિયા નેશનલ કિક બોક્સિંગ ટુર્નામેન્ટ-૨૦૨૨’ (સિનિયર્સ અને માસ્ટર્સ) માં સુવર્ણ ચંદ્રક જીતીને તેમના પરિવાર સહિત વડોદરા અને સમગ્ર ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેર્યું છે. આ મહા આયોજનમાં  પેરા ફોર્સ સહિત ૩૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૫૦૦ પુરૂષ અને સ્ત્રીઓ બંને એથ્લેટ્સ સામેલ હતા. જેમાં ગુજરાતના કિક બોક્સિંગ એસોસિએશનના કુલ ૧૧ ખેલાડીઓએ ભાગ લીધો હતો. અને સામૂહિક રીતે ૧૨ મેડલ જીત્યા હતા. આ ટુર્નામેન્ટમાં ઓમકારે હરિયાણાના ખેલાડીને હરાવીને લાઇટ કોન્ટેક્ટ માઈનસ ૬૩ કિ.ગ્રા.માં ગોલ્ડ જીત્યો હતો.
 
પોતાની સફળતાથી ગર્વ અને આનંદની લાગણી અનુભવતા ઓમકાર ભાલઘરેએ જણાવ્યું કે, “આ મારો પહેલો રાષ્ટ્રીય ચંદ્રક છે અને મારા માટે આ જીત અત્યંત વિશેષ છે. આ સફળતા મને આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ માટે સખત પ્રેક્ટિસ કરવાનો આત્મવિશ્વાસ આપશે. આ ઇવેન્ટમાં વિવિધ દળોના ખેલાડીઓ સહિત અન્ય ખેલાડીઓની વિશાળ ભાગીદારી જોવા મળી હતી. 
 
મેં માઈનસ ૬૩ કિ.ગ્રા. ઈવેન્ટમાં હરિયાણાના ખેલાડીને હરાવ્યો અને  ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સ્પર્ધામાં સેમીફાઈનલમાં સિક્કિમના ખેલાડીને હરાવવો ખૂબ જ કઠીન તેમજ પડકારરૂપ હતો. હવે હું આગામી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ માટે સખત મહેનત કરીશ. મારું સપનું છે કે મારા ક્ષેત્રમાં સફળતા મેળવું, મારા પિતાને ટેકો આપું અને તેમને જીવનમાં ડગલે ને પગલે ગૌરવ અપાવું.” 
 
ઓમકાર છોટાઉદેપુરની સરકારી કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરી રહ્યો છે. તે મુખ્યત્વે તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉજ્જવળ સફળતાઓ  દ્વારા તેના પિતાને સુખમય નિવૃત્ત જીવન આપવા માંગે છે. હજુ પણ ઓમકાર તેમના પિતાને ચાની લારી ચલાવવામાં મદદ કરે છે અને સમયનું યોગ્ય સંચાલન કરીને કિકબોક્સિંગનો અભ્યાસ અને પ્રેક્ટિસ પણ કરે છે.
 
ઓમકારના પિતા સુનીલ ભાલઘરે છેલ્લા ૨૨ વર્ષથી રાવપુરા હેડ પોસ્ટ ઓફિસની સામે ચાની લારી ચલાવે છે. પોતાના પુત્રની રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં આવી જ્વલંત સફળતાની ચમક તેમના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળે છે. અને આ ગૌરવશાળી ઘટનાથી લોકો વાકેફ થાય તે માટે ચાના સ્ટોલ પર પોતાના પુત્રનું પોસ્ટર પ્રદર્શિત કરતા તેમણે કહ્યું કે, “આ અમારા પરિવાર માટે ગર્વની ક્ષણ છે, કારણ કે અમારા તમામ પ્રયત્નોના ફળ મળી રહ્યા છે. હું રમતગમતમાં શરૂઆતથી મારા બંને પુત્રોને ટેકો આપું છું અને છેલ્લે મોટા પુત્ર ઓમકારે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. દરરોજ તે મને ટી સ્ટોલ પર મદદ કરે છે અને કિક બોક્સિંગનો અભ્યાસ અને પ્રેક્ટિસ પણ કરે છે. હું મારા બંને બાળકોને ખુશીથી જીવન જીવતા જોવા માંગુ છું અને તેમના સપનાને સાકાર કરવામાં હંમેશા ટેકો આપવા માગું છું.” 
 
આ ટુર્નામેન્ટમાં ગુજરાતના ૧૧ ખેલાડીઓ માંથી ૬ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૫ બ્રોન્ઝ સહિત  કુલ ૧૨ મેડલ જીત્યા હતા. જેમા આકાશ ચૌહાણ (પીએફ -૭૯ કિ.ગ્રા.) ગોલ્ડ, ઓમકાર ભાલઘરે (એલસી -૬૩ કિ.ગ્રા.) ગોલ્ડ, હર્ષિત વ્યાસ (પીએફ અને એલસી -૮૪ કિ.ગ્રા.) ગોલ્ડ, ઉજ્જવલા લાંડગે (માસ્ટર્સ) (પીએફ અને એલસી -૫૫ કિ.ગ્રા.) ગોલ્ડ, કેશા મોદી (એલસી -૫૦ કિ.ગ્રા.) સિલ્વર, દિયા ત્રિવેદી (પીએફ -૬૦ કિ.ગ્રા.) બ્રોન્ઝ, પ્રિયાંશ ટંડેલ (એલસી અને કેએલ -૬૩ કિ.ગ્રા.) બ્રોન્ઝ, જાસ્મીન બંગા (એલસી +૭૦ કિ.ગ્રા.) બ્રોન્ઝ અને શેખર કાલે (પીએફ -૮૦ કિ.ગ્રા.) બ્રોન્ઝ મેડલ મેળવીને તમામ રમતવીરોએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ હતું.
 
આ ટુર્નામેન્ટને વાકો એશિયન કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ –૨૦૨૨-૨૩, રિયાધમાં વર્લ્ડ કોમ્બેટ ગેમ - ૨૦૨૩, થાઈલેન્ડ ૬ ટુર્નામેન્ટ એશિયન ઈન્ડોર માર્શલ આર્ટ ગેમ - ૨૦૨૩ અને વર્લ્ડ સિનિયર કિક બોક્સિંગ સ્ટેપ ૨૦૨૩ અને વર્લ્ડ સિનિયર કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૩ જેવી આંતરરાષ્ટ્રિય સ્પર્ધાઓનુ પ્રારંભિક પગલું ગણવામા આવે છે. ગુજરાતના તમામ રમતવીરોએ મેળવેલી અદભૂત સફળતા બદલ તેઓ અભિનંદનને પાત્ર છે.