1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 ઑગસ્ટ 2022 (15:19 IST)

વાઘોડિયામાં સરપંચના પુત્રએ દુષ્કર્મ આચરતાં સગીરા માતા બની, ગર્ભવતી બન્યા બાદ પણ તે સ્કૂલે જતી હતી

gang rape
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં કોલેજિયન વિદ્યાર્થી એવા સરપંચના પુત્રના દુષ્કર્મનો ભોગ બનેલી સગીર વિદ્યાર્થિનીએ વાઘોડિયા તાલુકાની ટ્રસ્ટની હોસ્પિટલમાં તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાઘોડિયા તાલુકામાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી છે.

વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે સગીરાને માતા બનાવનાર વિદ્યાર્થીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.ગર્ભવતી બન્યા બાદ પણ વિદ્યાર્થિની સ્કૂલે જતી હતી.આ બનાવની વિગત એવી છે કે વાઘોડિયા તાલુકામાં રહેતી 15 વર્ષની જાગૃતિ (નામ બદલ્યું છે) હાલ ધોરણ-11માં અભ્યાસ કરે છે. જાગૃતિને નવા આજવા ગામના સરપંચના પુત્ર અને હાલ વાઘોડિયા તાલુકામાં આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ એન્જિનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિશાલ વિનોદભાઇ વસાવા (ઉં.વ.19) સાથે પ્રેમસબંધ બંધાયો હતો. નવ માસ પૂર્વે જાગૃતિ અને વિશાલ ગામની સીમમાં મળ્યાં હતાં. ત્યાં વિશાલે જાગૃતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જે દિવસે જાગૃતિ અને વિશાલે શારીરિક સંબંધ બાંધ્યો હતો. એના બે દિવસ બાદ પુનઃ વિશાલે જાગૃતિને તેને ગામની સીમમાં બોલાવી હતી અને એ વખતે પણ વિશાલે જાગૃતિ સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો. આમ બે વખત વિશાલે જાગૃતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. એ વખતે વિશાલે જાગૃતિને જણાવ્યું હતું કે આપણા વચ્ચે બંધાયેલા શારીરિક સંબંધોની કોઈને વાત કરીશ નહિ. સમય જતાં જાગૃતિનું માસિક આવવાનું બંધ થઇ ગયું હતું. આ વાત જાગૃતિએ વિશાલને કરતાં વિશાલે ફરી વખત જાગૃતિને જણાવ્યું હતું કે આપણા બે વચ્ચે બંધાયેલા શારીરિક સંબંધની વાત કોઈને કરીશ નહિ.દરમિયાન જાગૃતિએ માસિક ધર્મમાં આવવાનું બંધ થઇ ગયું હોવા છતાં ડરને કારણે પરિવારને જાણ કરી ન હતી અને સ્કૂલમાં પણ નિયમિત જતી હતી. સમય જતાં પરિવારને પણ જાણ થઇ ગઇ હતી. આબરૂ ન જાય એવા ડરથી પરિવારે દીકરી સાથે દુષ્કર્મ આચરી કુંવારી માતા બનાવનાર સરપંચ પુત્ર વિશાલ વસાવા સામે પોલીસ ફરિયાદ કરી ન હતી. પરિણામે, સગીર જાગૃતિ બાળકને જન્મ આપવાના ઉંબરે આવીને ઊભી થઈ ગઈ હતી.બે દિવસ પહેલાં જાગૃતિને પેટમાં દુખાવો શરૂ થતાં તેનાં માતા-પિતા જે હોસ્પિટલમાં નોકરી કરે છે એ હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં જાગૃતિએ 2 કિલો 800 ગ્રામ વજનના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. માતા બનનાર જાગૃતિ સગીર હોઈ અને દુષ્કર્મનો ભોગ બનેલી હોવાથી હોસ્પિટલ દ્વારા આ અંગેની જાણ વાઘોડિયા પોલીસ મથકમાં કરવામાં આવી હતી. વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે વિશાલ વિનોદભાઇ વસાવા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વાઘોડિયા પોલીસ મથકના પી.આઇ. ડી.જી. તડવીએ જણાવ્યું હતું કે આ બનાવ ડિસેમ્બર-21થી આજદિન સુધીમાં બનેલો છે. આરોપી વિશાલ વસાવા સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ તેની અટકાયત કરી લેવામાં આવી છે. નિયમ મુજબ તેનો કોવિડ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી ચાલી રહી છે. કોવિડ રિપોર્ટ નેગેટિવ આવે તો તેની ધરપકડ કરવામાં આવશે. એ સાથે આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે. આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય વિગતો બહાર આવવાની શક્યતાને નકારી શકાય એમ નથી.