રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 સપ્ટેમ્બર 2018 (11:49 IST)

સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લુના 40 કેસો, રાજકોટમાં કુલ 3 મોત

સૌરાષ્ટ્રમાં આરોગ્ય તંત્રની સુસ્તી વચ્ચે જીવલેણ સ્વાઈન ફ્લુએ ગત સપ્તાહથી ભરડો લીધો છે અને ત્રણ દિવસમાં ૧૧ પોઝીટીવ કેસ અને આજે વધુ બે કેસ સાથે રાજકોટના કાલાવડ રોડ પર મેટોડા જી.આઈ.ડી.સી.વિસ્તારમાં રહેતા ૮૪ વર્ષના એક વૃધ્ધનું સ્વાઈન ફ્લુથી મૃત્યુ થયું છે. આ સાથે સૌરાષ્ટ્રમાં મૃત્યુ આંક ત્રણ પર પહોંચ્યો છે અને અત્યાર સુધીમાં ૪૦ કેસોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

શરદી-તાવ જેવા જ લક્ષણોના કારણે આ રોગની સમયસર સારવાર નહીં કરાવતા લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય ત્યારે આ રોગની ઝપટે ચડી જવાનું જોખમ વધારે રહે છે. આ રોગનું નિદાન દર્દીના નાક-ગળામાં સ્ત્રાવના પરીક્ષણ પરથી થાય છે અને તેની સગવડ હાલ સરકારે સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટ,જામનગર અને ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે કરી છે. રાજકોટમાં હાલ રાજકોટ ઉપરાંત પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, જામનગર વગેરે જિલ્લાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

આજે રાજકોટ હોસ્પિટલમાં (૧) પોરબંદર જિલ્લાના ધરમપુર ખાતે રહેતા ૭૧ વર્ષના વૃધ્ધ અને (૨) જામનગર જિ.ના કાલાવડમાં ૪૭ વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સત્તાવાર રીતે ૩૯ કેસો નોંધાયા છે જેમાં રાજકોટ જિલ્લામાં ૯, રાજકોટ શહેરમાં સૌથી વધુ ૧૨ કેસો છે. હાલ ૨૩ હોસ્પિટલે અત્રે દાખલ છે. તો જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં આજે વધુ એક મહિલા દર્દીનો સ્વાઈન ફ્લુ પોઝીટીવ આવ્યો હતો અને હાલત્રણ દર્દી સ્વાઈન ફ્લુની સારવાર લઈ રહ્યા છે. 

ગોંડલની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ સગર્ભા મહિલાનો કેસ પણ પોઝીટીવ આવતા તેની તાબડતોબ ડીલીવરી કરાવાઈ હતી અને નવજાત શીશુને પણ આઈ.સી.યુ.માં ખસેડાયેલ છે. ખાસ તો આ ઋતુમાં સ્વાઈન ફ્લુ સહિતના રોગોનો ચેપ લાગવાની પૂરી સંભાવના છે અને આરોગ્ય અધિકારીઓ ભીડવાળી જગ્યાએ નહીં જવા પર ભાર મુકે છે ત્યારે હાલ વિવિધ ઉત્સવોમાં ભીડ જમા થાય છે તો નેતાઓના કાર્યક્રમો યોજાય તેમાં પણ ભીડ ભેગી કરાય છે.