શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (12:15 IST)

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહિલા તબિબ પર સિનિયર ડોક્ટરે દુષ્કર્મ આચર્યું

શહેરની સિવિલ હોસ્પિટલમાં જુનિયર મહિલા તબીબ પર સિનિયર ડોક્ટરે દુષ્કર્મ આચર્યાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઇ ગઇ હોવા છતાં કિસ્સો બહાર આવે નહીં તે માટે પોલીસ કમિશનર અને પ્ર.નગર પીઆઇએ હવાતિયા માર્યા હતા, જો કે ઘટના બહાર આવી જ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આવું શા માટે કર્યું તે તપાસનો વિષય બન્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં ફરજ બજાવતી મહિલા તબીબ પર નાઇટ ડ્યૂટી વખતે તેના જ સિનિયર ડોક્ટરે દુષ્કર્મ આચર્યું હતું. શનિવારે મહિલા તબીબે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુનો દાખલ થતાં પોલીસે ડો.સચિનસિંઘની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર લીધો હતો.  
ડો.સચિનસિંઘ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ ગઇ હતી, રિમાન્ડ પર પણ લેવાઇ ગયો હતો છતાં તે અંગેની નોંધ ડેઇલી રિપોર્ટમાં જાહેર કરવામાં આવી નહોતી. ઘટના અંગે પ્ર.નગરના પીઆઇ કાતરિયાને આ અંગે પૃચ્છા કરતા શરૂઆતમાં તો તેમણે આવી કોઇ ઘટના બની જ નથી તેવો ઉતર આપ્યો હતો. ત્યારબાદ ફરીથી ફોન કરી ડો.સચિનસિંઘનું મેડિકલ પરીક્ષણ કરાવી લેવામાં આવ્યું છે તે સહિતની વિગતો આપતા પીઆઇ કાતરિયાએ ગુનો નોંધ્યાની વાત સ્વીકારી આ અંગે પોલીસ કમિશનર સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપશે તેમ કહી વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો ટેલિફોનિક સંપર્ક કરાતા તેમણે ગુનો નોંધ્યો છે, પરંતુ ગંભીર ગુનો હોય કોર્ટની ગાઇડ લાઇન મુજબ ભોગ બનનારની સલામતી માટે વિગતો જાહેર કરવામાં આવી નથી તેવો બચાવ કર્યો હતો. પરંતુ અગાઉ આ પ્રકારના તમામ ગુનાની વિગતો જાહેર કરવામાં આવતી હતી તો આ કેસમાં પોલીસે શા માટે વિગતો જાહેર કરવાનું ટાળ્યું તે પ્રશ્ન મહત્વનો બન્યો છે. 
શનિવારે પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો, ડોક્ટરની ધરપકડ થઇ ગઇ અને બે દિવસના રિમાન્ડ પર આરોપી પોલીસને મળ્યો. પોલીસે આવી કોઇ ઘટના બન્યા અંગે શરૂઆતમાં ઇન્કાર જ કરી દીધો. પોલીસે આવું શા માટે કર્યું, ડો.સચિનસિંઘના કરતૂતો જાહેર થાય નહીં તે માટે રાજકીય સૂચના હતી, પોલીસ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી, તપાસનીશ અધિકારીએ પોતાની રીતે નિર્ણય લઇ લીધો હતો, પોલીસ કમિશનરે આવી સૂચના આપી હતી, જો આવી સૂચના આપી હતી તો શા માટે આપી હતી, અગાઉના કેસમાં આવું કેમ થયું નહોતું, અગાઉ ભોગ બનનાર યુવતીઓ સામાન્ય પરિવારની હતી એટલે એમનો કિસ્સો જાહેર કરાયો, આ કેસમાં આરોપી ડોક્ટર છે એટલે દબાવવાનો પ્રયાસ થયો.