સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 માર્ચ 2018 (16:51 IST)

રાજ્યસભા ચૂંટણી - ચાર બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના 3-3 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના બે-બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે, ભાજપે પોતાના  ઉમેદવાર કિરિટસિંહ રાણા પાસે ફોર્મ ભરાવ્યું છે. અચાનક આવેલા આ ટ્વિસ્ટ બાદ ઓગસ્ટ 2017ની માફક આ વખતે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો જંગ રસાકસીભર્યો રહે તેવી શક્યતા છે. ચાર સીટો માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના બે-બે ઉમેદવારો પાસે ફોર્મ ભરાવતા આ વખતે ચૂંટણી ન થાય તેવી શક્યતા હતી. જોકે, છેલ્લી ઘડીમાં ભાજપે કિરિટસિંહ રાણાનું નામ જાહેર કરતા મોટો આંચકો આપ્યો હતો.

આમ, ચાર બેઠકો માટે હવે કુલ છ ઉમેદવારો રેસમાં ઉતરતા આ વખતે પણ ઓગસ્ટ 2017માં થયેલી રસાકસીભરી ચૂંટણી થાય તેવી શક્યતા છે. કિરિટસિંહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ પક્ષના કહેવાથી ફોર્મ ભરી રહ્યા છે. રાણાને જીતવું હોય તો કોંગ્રેસના અનેક ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવવું પડે તેવો સવાલ પૂછાતા રાણાએ કહ્યું હતું કે, તે બધું તેમના પક્ષે જોવાનું રહે છે. તેમણે પક્ષના મોવડી મંડળના આદેશને અનુસરીને ફોર્મ ભર્યું છે. ભાજપ તરફથી આજે સવારે જ પરસોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયાએ રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસ તરફથી અમી યાજ્ઞિક અને દસ્તાવેજોના વિવાદ બાદ નારણ રાઠવાએ પણ ફોર્મ ભર્યું હતું. ચાર બેઠકો માટે ચાર ફોર્મ ભરાતા આ વખતે ચૂંટણી નહીં થાય તેવી અટકળો હતી. જોકે, છેલ્લી ઘડીએ ભાજપે પોતાના વધુ એક ઉમેરવારને ફોર્મ ભરવા મોકલતા નવી જ ચર્ચા શરુ થઈ હતી. કોંગ્રેસના પી.કે. વાલેરાએ અપક્ષ તરીકે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જો નારણ રાઠવાના ફોર્મમાં કંઈક વાંધો ઉભો થાય તો વાલેરા અપક્ષ તરીકે ચૂંટણી લડશે અને કોંગ્રેસ તેમને પોતાનો ટેકો જાહેર કરશે. એવી માહિતી પણ મળી રહી છે કે, રાઠવાનું નો ડ્યૂ સર્ટિફિકેટ હજુ સુધી રજુ કરાયું નથી. બીજી તરફ, પક્ષનો મેન્ડેટ ન હોવાથી વાલેરાને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું પડ્યું હતું.