સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 માર્ચ 2018 (14:06 IST)

વિધાનસભા જોયું જાણ્યું, સત્તા હિટલરે મેળવી પણ કોંગ્રેસે કટોકટી યાદ કરવી પડે

વિધાનસભાના બજેટ સત્રનાં ત્રીજા અઠવાડીયાનો પ્રથમ દિવસ સરેરાશ શાંતિથી પસાર થયો હતો. અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનાં પ્રથમ દિવસે પ્રશ્નોતરી દરમિયાન શાસક અને વિપક્ષ વચ્ચે કેટલાક મુદ્દે ચકમક જરી હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને તેના પુત્ર જયનો ઉલ્લેખ પણ કોંગ્રેસે એક તબક્કે કર્યો હતો. પરંતુ રાજ્યકક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને કોંગ્રેસના સભ્યોને વધુ બોલતાં અટકાવ્યા હતા. તારાંકીત પ્રશ્નોત્તરીમાં પણ પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક તથા ઉચ્ચતર અને ટેકનિકલ શિક્ષણ, RTI નો અમલ વગેરે બાબતો અંગે પ્રશ્નો ઉઠાવીને કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં સરકારને ઘેરવાના પ્રયત્નો કર્યા હતા પણ અનુભવી મંત્રીઓએ તેઓને ફાવવા દીધા નહોતા. તેમજ જેવા સવાલ તે પ્રકારના સિફતપૂર્વકના જવાબો આપીને સ્થિતિને કંટ્રોલ કરી હતી.

જોકે સામાન્ય ચર્ચામાં વિરોધ પક્ષના નેતાં ધાનાણીએ ગુજરાત પર 'દેવા' અંગે ભારે આકરાં શબ્દોમાં સરકારની નીતિ-રીતિની ઝાટકણી કાઢી હતી. સોમવારે તારાંકીત પ્રશ્નોત્તરીમાં પાંચ નંબરના પ્રશ્ન - પેટા પ્રશ્ન દરમિયાન બન્ને પક્ષો વચ્ચે હુંસાતુંસી જોવા મળી હતી. જેમાં ભાજપનાં જ ધારાસભ્યે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે કોંગ્રેસને કેટલી જગ્યાએથી ખસેડાઈ છે ? જવાબ આપવા ઉભા થયેલા ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે ત્રિપુરા સહિતના રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. હવે કોંગ્રેસમુક્ત ભારતની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આથી અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રશ્ન પૂછનારા ધારાસભ્યને હળવી ટકોર કરી કે હવે તમારે બીજા જવાબની અપેક્ષા રહેતી નહીં હોય... પ્રદિપસિંહ પહેલા પણ ભાજપનાં કેટલાક ધારાસભ્યોએ વિજય બદલ વડાપ્રધાન તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને અભિનંદન આપ્યા હતા. આ બધાનો જવાબ આપવા ઉભા થયેલા કોંગ્રેસના પૂંજા વંશે પેટા પ્રશ્ન પૂછવાના બ્હાને ભાજપના મંત્રીઓને સંભળાવ્યું કે, આ જન્મમાં તમે ક્યારેય કોંગ્રેસમુક્ત ભારત કરી શકવાના નથી. ઈતિહાસમાં જોઈએ તો ભૂતકાળમાં હિટલરે દુનિયા પર સતા મેળવી હતી. પરંતુ બાદમાં કેવો ત્રાસ અને કાળો કેર વર્તાવ્યો હતો તે સૌ કોઈ જાણે છે. આ સાંભળીને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્પષ્ટતા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાસ્તવિકતાવાદીથી કામ કર્યું છે. તમે હિટલરની વાત કરો છો તો કટોકટીને પણ યાદ કરો.  સોમાભાઈ કોળી પટેલનો ભાજપ સામે બળાપો : તમે મને કાઢી મુક્યો હતો... લિંમડી બેઠક પરથી ચૂંટાયેલા સોમાભાઈ કોળી પટેલનો તારાંકીત પ્રશ્નોત્તરીમાં સૌથી પ્રથમ પ્રશ્ન રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ મેળવેલા પ્રવેશનો હતો. તેઓએ શરૃઆત જ રડતલ અવાજમાં કરી હતી. જેમાં કહ્યું કે ૧૯૯૫માં પણ હું અહીં બેસીને જ પ્રશ્ન પૂછતો હતો. ૨૦૧૮માં પણ અહીંથી જ પ્રશ્ન પૂછી રહ્યો છું. આથી શિક્ષણમંત્રીએ ઉભા થઈ હળવેથી કહ્યું કે સોમાભાઈના નસીબ... !! આવું સાંભળીને સોમાભાઈએ ફરીથી ઉભા થઈ કહ્યું કે, નસીબ નહીં તમે મને કાઢી મુક્યો હતો... ચૂડાસમાએ આગળ વધતા કહ્યું કે અહીં તમે લોકો નહીં ચેલગીના સૂત્રો પોકારો છો જ્યારે આખા દેશે એવું કહ્યું કે યહી (ભાજપ જ) ચલેગી... હજુ સોમાભાઈ અમે તમને અમારા જ સમજીએ છીએ.