શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 માર્ચ 2018 (17:25 IST)

ગુજરાત વિધાનસભાનું લાઈવ પ્રસારણ થવું જોઈએ - પરેશ ધાનાણી

ગુજરાત વિધાનસભામાં ચર્ચાથી ભાગતી રાજ્ય સરકાર સ્પીકરની ચેરનો દુરુપયોગ કરી રહી હોવાનું જણાવતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગૃહની કિંમતી કાર્યવાહીમાં અસંસદીય વ્યવહાર માટે કોણ જવાબદાર છે તે પ્રજા જોઈ શકે તે માટે ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવું જોઈએ. ગુજરાત વિધાનસભા ખાતે આજે પત્રકારોને માહિતી આપતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગૃહના કામકાજમાં અધ્યક્ષ પણ નિયમોથી બંધાયેલા છે. એક નવા મહિલા સભ્ય ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખતા મોંઘવારીના પ્રશ્ને મહિલા વિરોધનું શ્રષ્ઠ ઉદાહરણ પૂરું પડે તેમાં કોઈ ભૂલ નહિ હોવાથી માફી માંગવામાં આવશે નહિ. તેમાં આઝાદી વખતથી કોંગ્રેસની રહેલી પરંપરા પ્રમાણે અંગ્રેજના વારસદારો સામે હાથ જોડવાની કોંગ્રેસની વૃત્તિ નથી

. દરરોજ બે-ત્રણ સભ્યો શહીદ થશે તો પણ પ્રજા માટે લડત ચાલુ રહેશે. તેમણે જણાવ્યું છે કે, વળી અધ્યક્ષ બનીને વિપક્ષનું ધ્યાન રાખવાના બદલે વિપક્ષને ધ્યાનમાં રાખવામાં આવે છે તે લોકશાહી માટે કલંકરૂપ છે. ગૃહનો સમય કિંમતી હોવા છતાં ગૃહ કોઈ કારણ વિના બે કલાક માટે મોકુફ રખાય છે. જ્યારે નિયમો અનુસાર ચર્ચામાં સમય આપવામાં આવતો નથી. રાજ્ય સરકાર બહુમતીના જોરે કોઈ તેમની ટીકા કરે નહિ તેવો પ્રયાસ કરતી હોવાનું જણાવતા તેમને ઉમેર્યું હતું કે, સરકારે રાજ્યમાં ઉભી કરેલી ભયની રાજનીતિનું પ્રતિબિંબ ગૃહમાં સત્તાના જોરે પાડવા માંગે છે. આ ઉપરાંત જનપ્રતિનિધિને ડરાવવા કે ધમકાવવા અલંકારિક શબ્દપ્રયોગ કરી ઉતારી પાડવાનો નવો ચીલો શરુ કરવામાં આવ્યો છે. જેના કારણે આગામી દિવસોમાં ગામ કે શેરીનો પ્રજાકીય અવાજ રજુ કરી શકાશે નહિ. આવી પરંપરાઓ ઉભી કરવા માટે સ્પીકરના પદનો મિસયુઝ કરવાની બાબતને તેમણે દુખદ ગણાવ્યો છે.