રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 મે 2019 (14:33 IST)

દલિતો અને પત્રકાર પર અત્યાચાર બંધ કરો'ના નારા સાથે ભીમસેનાના દેખાવો

રવિવારે જૂનાગઢમાં પત્રકારો પર થયેલા અત્યાચાર અને રાજ્યભરમાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર મામલે આજે ભીમસેના રસ્તા પર ઉતરી આવી હતી અને વિરોધ કર્યો હતો. ભીમસેનાના કાર્યકર્તાઓએ સિવિલ હોસ્પિટલ ચોકમાં રસ્તા પર સૂઈ જઈ ચક્કાજામ કર્યો હતો. જેને લઈને રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ભીમસેનાના કાર્યકરોએ 'દલિતો પર અત્યાચાર બંધ કરો' અને 'પત્રકાર પર અત્યાચાર બંધ કરો'ના નારા લગાવ્યા હતા. આ સાથે જ 150 ફૂટ રિંગરોડ પર શહેરના નાગરિકોએ કાળી પટ્ટી અને કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો છે. મીડિયાકર્મી પર થયેલા હુમલા અંગે શિવસેના અને સત્યમેવ જયતે ગ્રુપે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે. બીજી તરફ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કોંગ્રેસ આગેવાનોએ ગૃહ સચિવને પત્ર પાઠવી લેખિતમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કોંગ્રેસે જણાવ્યું છે કે રવિવારે પત્રકારો પર થયેલા હુમલા મામલે સરકાર તટસ્થ તપાસ કરાવે અને પોલીસના જવાનો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય નિર્ણય નહી આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. કોંગ્રેસે પોતાની યાદીમાં આકરા શબ્દોથી પ્રહાર કર્યા હતાં. કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે પ્રહાર કરતા કહ્યું કે પોલીસ ગુંડારાજ ચલાવી રહી છે અને પત્રકારો ઉપર બેફામ દમન કરી છે. સરકારની ચાપલુસી કરતા વર્દીધારી ગુંડાઓ બેલગામ બન્યા છે અને લોકશાહીનું સરેઆમ ચીરહરણ કરી રહ્યાં છે.