બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 ઑક્ટોબર 2018 (12:44 IST)

ગાંધીનગરને પ્રથમવાર ભાજપના 'કમળ' પર ચૂંટાયેલા મેયર મળશે?

રાજ્યના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકા વર્ષ ૨૦૧૧માં અસ્થિત્વમાં આવી જેમાં ત્રણ મેયર આવી ગયા છે. જેમાંથી એક પણ મેયર ભાજપની સત્તા હોવા છતાં ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાઇને આવ્યા નથી. ત્યારે આ વખતે દિવાળી પહેલાં નવા મેયરની પસંદગી થવાની છે ત્યારે જો કોઇ વિધ્ન નહીં નડે તો ગાંધીનગરને પ્રથમવાર ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાઇને આવેલાં મહિલા મેયર મળશે.
ભાજપમાં મહિલા કોર્પોરેટરો અત્યારથી જ પોતાની વગ પ્રમાણે મેયર બનવા માટે એડીચોટીંનું જોર લગાવી રહ્યાં છે. મેયરની સાથે નવા સ્ટેન્ડીંગ ચેરમેન અને ડે.મેયરની પણ વરણી કરવામાં આવનાર છે.ધનતેરસે મળનારી સામાન્ય સભામાં નવા મેયરના નામ ઉપરથી પડદો ઉંચકાશે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોર્પોરેશનની અંદર ભાજપે આજ સુધી ક્યારેય બહુમતી મેળવી નથી પરંતુ સત્તાના જોરે કોર્પોરેશન તોડવામાં સફળતા મેળવી છે. વર્ષ ૨૦૧૧માં ગાંધીનગરમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી હતી. ત્યારે ૩૩ બેઠક વાળી આ કોર્પોરેશનમાં ૧૮ બેઠકો સાથે કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી.
ગાંધીનગરના પ્રથમ મેયર તરીકે કોંગ્રેસના મહેન્દ્રસિંહ રાણા સત્તારૃઢ થયાં હતા. પરંતુ વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી પહેલાં મહેન્દ્રસિંહ એક મહિલા કોર્પોરેટર અને અન્ય એક કોર્પોરેટર સાથે ભાજપમાં જોડાયાં હતાં. જેથી કોર્પોરેશનને ભાજપે સત્તા હાંસલ કરી અને મેયર તરીકે મહેન્દ્રસિંહ રાણાને યથાવત્ રાખ્યા હતાં. તેમની ટર્મ પુરી થયાં બાદ મહિલા મેયર તરીકે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાઇને આવેલાં હંસાબેન મોદી મેયર થયા હતાં. 
જ્યારે પક્ષપલ્ટો કરનાર સુભાષ પાંડવને પણ ભાજપે ડે.મેયર પદ આપ્યું હતું. વર્ષ ૨૦૧૬માં કોર્પોરેશનની પ્રથમ ટર્મ પુરી થતાં નવા સિમાંકન સાથે ૩૨ બેઠકો માટે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં રસપ્રદ પરિણામ આવ્યું હતું અને ભાજપ-કોંગ્રેસને ૧૬-૧૬ બેઠકો મળી હતી.
જો કે આ વખતે પણ ભાજપે નિયમ મુજબ ચિઠ્ઠી ઉછાળવાની પ્રથા નહીં માનવાનું નક્કી કર્યું હતું અને પ્રથમ સામાન્ય સભા પહેલા જ વોર્ડ નં.૩માંથી કોંગ્રેસના પંજા ઉપર ચુંટાઇને આવેલાં પ્રવિણભાઇ પટેલને ભાજપમાં ભેળવી લીધા હતા અને મેયર પદ આપી દીધું હતું. એટલે અત્યાર સુધી ગાંધીનગરે એક મહિલા સહિત ત્રણ મેયર જોયાં છે પરંતુ ત્રણમાંથી એક પણ મેયર ભાજપના કમળ ઉપર ચૂંટાઇને આવ્યા નથી.
ત્યારે કોર્પોરેશનમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે મહિલા મેયર નક્કી કરવાના છે. ત્યારે જો બધુ સમુસુથરુ પાર પડયંુ તો ગાંધીનગરમાં પહેલીવાર ભાજપના સિમ્બોલ ઉપરથી ચૂંટાયેલા મેયર જોશે. હાલ ભાજપ પાસે ૧૭ અને કોંગ્રેસ પાસે ૧૫ સભ્યોનું સંખ્યા બળ છે. નવા મહિલા મેયર ભાજપમાંથી બનશે તે નક્કી છે. ભાજપના મહિલા કોર્પોરેટરો અત્યારથી પોતાની વગ પ્રમાણે પ્રદેશ કક્ષાએ જોર લગાવી રહ્યાં છે. 
ધનતેરસે મળનારી સામાન્ય સભામાં મહિલા મેયરની સાથે ડે.મેયર અને સ્ટેન્ડીંગ કમિટિની પણ વરણી થવાની હોવાથી રાજકારણ ગરમાશે તે નક્કી જ છે કેમ કે છેલ્લા ઘણા સમયથી ભાજપના સભ્યો ડે.મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેન બનવા માટે થનગની રહ્યાં છે. ત્યારે ભાજપ આ વખતે પણ પાછું કોથળામાંથી બલાડુ કાઢે છે કે નહીં તે જોવું રહ્યું.