મોબાઈલ બદલવા olx પર મુક્યો, ખરીદનાર મોબાઈલ જોઈ પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનું બતાવી રફુચક્કર
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપની ચલાવતા રેયાન્સ પ્રજાપતિ પોતાના મોબાઈલ olx પર વેચાણ માટે મૂક્યો હતો. બાદમાં ખરીદનારે ખરીદી માટે કોલ કરી જોવા બોલાવી પૈસા મોકલી દીધા હોય તેવું ટ્રાન્જેક્શન બતાવી ફરિયાદીને પૈસા ન પહોંચતા આખરે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરના માંજલપુરમાં આવેલી સનસીટી પેરેડાઈઝમાં રહેતા રેયાન્સ અમરભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતે 80 હજારનો મોબાઈલ લાવ્યા હતા. બાદમાં તેઓએ આ મોબાઈલ વેચવા માટે વિચાર્યું હતું. બાદમાં olx વાપરતા ન હોવાથી તેઓના નાના ભાઈ દેવઋષિ અમરભાઈ પ્રજાપતિના olx પર તેઓને મોબાઇલ ફોન ફોટો પાડીને મુક્યો હતો. બાદમાં આ અંગે એક ઇસમે મોબાઈલ ખરીદવો છે અને તે જોવા માટે શહેરના દરબાર ચોકડી ખાતે બોલાવ્યા હતા.
મોબાઈલ માટે ખરીદી કરનાર આકાશ દિનેશચંદ્ર જાની (રહે. મકાન નંબર 08, વિઠ્ઠલ ધામ, માનવ ધર્મ આશ્રમની પાછળ, અવધૂત ફાટક પાસે માંજલપુર)ને મળ્યા હતા. બાદમાં મોબાઈલ વેચવાનો હોવાથી તેઓએ 32 હજારની કિંમત નક્કી કરી હતી. બાદમાં આકાશ જાનીએ મને જણાવેલું કે, તમારા નાના ભાઈના મોબાઈલ ઉપર હું 32 હજાર રૂપિયા ફોન પે કરી દઉં છું અને ટ્રાન્સફર થઈ ગયા છે. આ અંગે મને ટ્રાન્જેક્શન બતાવી દીધું હતું. જેથી મને વિશ્વાસ આવ્યો હતો.બાદમાં તેઓએ મને કહ્યું કે, થોડીવારમાં તમારા નાના ભાઈના મોબાઇલમાં ફોન પેમાં પૈસા આવી જશે. તેમ કહી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં તેઓએ તેઓના નાના ભાઈના એકાઉન્ટમાં જોતા પૈસા આવ્યા નહોતા. મારી પાસેથી મોબાઇલ ફોન પણ લઈ ગયેલા અને આજ સુધી પૈસા ન આપતા છેતરપિંડી કરી હોવાથી આ અંગેની માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવને લઇ માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.