શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (10:48 IST)

રાજ્યમાં પ્રથમ દિવસે 50 ટકાથી ઓછી સ્કૂલો ખુલી, 40 ટકાથી વધુ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ

કોરોનાકાળમાં અંતે 9 મહિના બાદ રાજ્યમાં સોમવારથી સ્કૂલો વિદ્યાર્થીઓ માટે ખુલી હતી અને ધો.10-12ના વિદ્યાર્થીઓને સ્કૂલોમાં શિક્ષણ માટે બોલાવવામા આવ્યા હતા. કલાસમમાં શિક્ષકો સામે ભણી અને મિત્રોને મળીને વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરો આનંદ દેખાતો હતો. જ્યારે શિક્ષકોને પણ વિદ્યાર્થીઓને ભણાવીને ભારે ખુશી થઈ હતી. વાલીઓમાં રાહતનો અહેસાસ અને સ્કૂલોમાં ઉત્સાહ દેખાયો હતો.પ્રથમ દિવસે રાજ્યમાં એકંદરે 50 ટકાથી ઓછી સ્કૂલો ખુલી હતી અને વિદ્યાર્થીઓની હાજરી 40 ટકાથી વધુ નોંધાઈ હતી. કોરોનાને લીધે ગત માર્ચથી રાજ્યમાં સ્કૂલો બંધ હતી.રાજ્યમાં કોરોનાની સ્થિતિ ઘણે અંશે કાબુમાં આવી જતા અને દૈનિક કેસોમાં પણ ભારે ઘટાડો નોંધાતા સરકારની મંજૂરી બાદ અંતે સોમવારે ધો.10 -12ની સ્કૂલો ખુલી હતી. બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાના હોવાથી તેમજ ફાઈનલ બોર્ડ પરીક્ષા પહેલા થોડુ કલાસરૃમ શિક્ષણ આપવુ પડે અને સાયન્સના સ્ટુડન્ટસને પ્રેક્ટિકલ કરાવવુ પડે તેમ હોવાથી સ્કૂલો ખોલવી પણ હવે જરૃરી હતી. વાલીઓમાં થોડો ખચકાટ હતો પરંતુ તેમ છતાં મોટા ભાગના અનેક વાલીઓએ બાળકોને સ્કૂલે મોકલવા સંમંતિ આપી હતી.  અમદાવાદ,સુરત,રાજકોટ, વડોદરા સહિતના મોટા શહેરોની ખાનગી સ્કલોમાં 70 ટકા અને ઘણી સ્કૂલોમાં તો 75 ટકાથી વધુ હાજરી નોંધાઈ હતી. જો કે ઓવરઓલ રાજ્યની તમામ સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં 40 ટકાથી વધુ હાજરી નોંધાઈ હતી. જ્યારે 50 ટકાથી ઓછી સ્કૂલો આજે પ્રથમ દિવસે ખુલી હતી. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ દિવસે તમામ જિલ્લામાંથી મંગાવાયેલા આંકાડના રિપોર્ટ મુજબ ધો.10માં  કુલ 1381 સરકારી સ્કૂલોમાંથી 716 ખુલી હતી અને જેના 31728 વિદ્યાર્થીમાંથી 12316 વિદ્યાર્થી હાજર રહ્યા હતા.  ગ્રાન્ટેડમાં 5278માંથી 2411 સ્કૂલો ખુલી અને ૨૬૦૭૭૩ વિદ્યાર્થીમાંથી ૮૯૨૧૫ વિદ્યાર્થી હાજર રહ્યા હતા. ખાનગી સ્કૂલોમાં રાજ્યની 2809 સ્કૂલોમાંથી 486 ખુલી હતી અને  24899 વિદ્યાર્થીમાંથી 10294 વિદ્યાર્થી  હાજર રહ્યા હતા. ધો.12માં  નોંધાયેલી સરકારી 1381 સ્કૂલમાંથી 1292 અને ગ્રાન્ટેડમાં 5278માંથી 2411 તથા ખાનગીમાં 2809માંથી 486 સ્કૂલ ખુલી હતી. હાજરીમાં સરકારીમાં 32664 માંથી 13685,ગ્રાન્ટેડમાં 12415 વિદ્યાર્થીમાંથી 45154 અને ખાનગીમાં 23707 વિદ્યાર્થીમાંથી 9596 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. ઓવરઓલ રાજ્યની 4 હજારથી વધુ સ્કૂલો ખુલી હતી અને ધો.10માં 111825 તથા ધો.12માં 68435 વિદ્યાર્થીઓ સહિત 1.80 લાખથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. 540 ટકાથી ઓછી સ્કૂલો ખુલી હતી અને 40 ટકાથી વધુ હાજરી નોંધાઈ હતી.સરકારી-ગ્રાન્ટેડની સરખામણીએ ખાનગી સ્કૂલોમાં ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પરંતુ મોટા શહેરની ઘણી ખાનગી સ્કૂલોમાં 70 થી 80 ટકા હાજરી નોંધાઈ હતી. સ્કૂલોમાં થર્મલ ગન સ્કેનિંગ અને સેનેટાઈઝેશન સાથે વિદ્યાર્થીઓની ખાસ તકેદારી લવાઈ હતી તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વિદ્યાર્થીઓને આવવા અને જવા દેવાયા હતા. માત્ર ધો.10 -12ના જ વિદ્યાર્થીઓ હોવાથી સ્કૂલો સારી રીતે મેનેજમેન્ટ પણ કરી શકી હતી.