અભ્યાસ અધૂરો હોય એવા વિદ્યાર્થી ઓપન સ્કૂલ દ્વારા બોર્ડ પાસ કરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) નેશનલ એજ્યુકેશન પોલિસી (એનઈપી)2020ને ધ્યાનમાં રાખીને વિવિધ કારણોસર શાળા છોડી જતા,અધૂરો અભ્યાસ છોડી મૂકતા, નિયમિત વિદ્યાર્થી તરીકે દાખલ થવા ન ઈચ્છતા વિદ્યાર્થીઓને ઘરબેઠા શિક્ષણ પૂરું પાડવા ગુજરાત સરકારે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (જીએસઓએસ)ની રચના કરી છે. નિર્ણય અનુસાર શૈક્ષણિક વર્ષ 2023-2024થી ધોરણ 9થી 12માં ઘરેબેઠા અભ્યાસ કરી શકે અને તે પછી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે,
જે અંતર્ગત હાલમાં ચાલુ વર્ષથી ધોરણ 10-12 (સામાન્ય પ્રવાહમાં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓને જીએસઓએસ મારફતે પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માધ્યમિક વિભાગમાં ધોરણ 9 અને 10નો તથા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહમાં ધોરણ 11 અને ધોરણ 12માં અભ્યાસ પણ જીએસઓએસના રજિસ્ટર્ડ વિદ્યાર્થી તરીકે કરી શકશે. જીએસઓએસમાં રજિસ્ટ્રેશન માટે કોઈ ફી લેવામાં આવશે નહીં, અભ્યાસ માટેની તમામ સેવાઓ નિ:શુલ્ક રહેશે. ગુજરાત રાજ્યના દરેક તાલુકામાં જે તે તાલુકામાં ચાલતી એક માધ્યમિક શાળાને જીએસઓએસ સ્ટડી સેન્ટર તરીકે માન્યતા અપાશે.
તેની પસંદગીમાં મોડેલ સ્કૂલ્સ, સરકારી સ્કૂલોને પ્રાધાન્ય આપવામાં આવશે. જીએસઓએસ ખાતે નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકો અને ગુજરાત એજ્યુકેશન ટેક્નોલોજીસ લિમિટેડ (જીઈટી) દ્વારા ઉપલબ્ધ કરાયેલ જી-શાલા સહિત તમામ ઈ-કન્ટેન્ટ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે. જીએસઓએસમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને વિષય માળખું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) દ્વારા નિયમિત વિદ્યાર્થીઓ માટે અમલમાં હોય તે મુજબનું રહેશે. તેમની પરીક્ષા પણ ગુજરાત બોર્ડના નિયમિત વિદ્યાર્થીઓની સાથે જ યોજવામાં આવશે