રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 ફેબ્રુઆરી 2020 (12:26 IST)

વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદના બિઝનેસમેને કારમાં ઝેરી દવા ગટગટાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદમાં વ્યાજખોરોનો ફરી એકવાર આતંક સામે આવી રહ્યો છે. બે જ દિવસમાં વ્યાજખોરોના છ કિસ્સા સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકોએ કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તો, કેટલાક લોકોને ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે અમદાવાદમાંથી વ્યાજખોરોના ત્રાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 
 
મળતી માહિતી મુજબ અમદાવાદના વટવા GIDCમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અને આજે સાંજે વટવા જીઆઇડીસી ફેજ-4 પાસે ગાડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
 
હિમાંશુભાઈએ દવા પી લીધી હોવાનો મેસેજ બાબુભાઇ નામના વ્યક્તિને પણ કર્યો હતો. બાબુભાઇ વટવામાં જ નોકરી કરતા હોવાથી અને નજીકમાં જ હોવાથી હિમાંશુને શોધતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં તેમણે હિમાંશુભાઈને કારમાં દવા પીધેલી હાલતમાં જોયા હતા અને ધીરુભાઇના કોલ પણ હિમાંશુના મોબાઇલમાં આવી રહ્યા હોવાથી તેમણે ફોન ઉપાડ્યો હતો અને હિમાંશુ દવા પીધેલી હાલતમાં હોવાનું તેમને જણાવ્યું હતું.
 
જોકે તેમને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતાં. હાલમાં તેઓ એલજી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે અને હાલ તેઓ ભાનમાં છે. હિમાંશું વરિયા સેટેલાઈટ વિસ્તારમાં રહે છે.
 
અમદાવાદના બિઝનેસમેન હિમાંશુ વરિયાએ આત્મહત્યા પહેલા સોશિયલ મીડિયામાં એક સુસાઈડ નોટ મુકી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ હતી. સુસાઈડ નોટ મુક્યા બાદ હિમાંશુએ ઝેરી દવા પીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે  ત્રણ મહિના પહેલા હિમાંશુભાઈએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે નામજોગ અરજી કરી હતી.