મંગળવાર, 31 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified સોમવાર, 15 માર્ચ 2021 (09:02 IST)

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 749 વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું, 214 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવાની કોશિશ કરી

રાજ્યમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યાં છે. મહિલાઓમાં પારિવારિક કારણોને કારણે આપઘાતના બનાવો વધ્યાં તો વિદ્યાર્થીઓ પણ હવે તેમાંથી બાકાત નથી રહ્યાં. ચાલુ વિધાનસભાના સત્રમાં રાજ્યના ગૃહ વિભાગે ચોંકાવનારા આંકડાઓ જાહેર કર્યાં છે. આ આંકડાઓમાં વિદ્યાર્થીઓ કયા કારણોસર આપઘાત કર્યાં છે તેની પણ માહિતી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં 749 વિદ્યાર્થીઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે જ્યારે 214 વિદ્યાર્થીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આપઘાતના મોટા ભાગના કિસ્સા અમદાવાદ અને સુરત શહેરમાં બન્યા હોવાનું સામે આવ્યું છે.કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોષિયારાએ તા.30-09-2020ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા અને કેટલાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે અને આપઘાતના મુખ્ય કારણો શું છે તેવો સવાલ કર્યો હતો, જેના જવાબમાં સરકારે માહિતી આપી છે કે, પાંચ વર્ષમાં 749 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. મોટા ભાગના કિસ્સામાં પરીક્ષામાં નાપાસ થવાના કારણે, માનસિક બીમારીના કારણે, સગાઈ ન થવાના કારણે, લાંબા સમયની માંદગી, કૌટુંબિક કારણસર અને પ્રેમ સંબંધો જેવી બાબતોના કારણે આપઘાતના કિસ્સા બન્યા હોવાનું સામે આવ્યું છે.  2015-16માં 143, 2016-17માં 163, 2017-18માં 155, 2018-19માં 153 અને 2019-20માં 135 વિદ્યાર્થીના આપઘાતના કિસ્સા નોંધાયા છે. છેલ્લે  2019-20માં અમદાવાદ શહેરમાં 12 વિદ્યાર્થી અને 17 વિર્દ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું હતું. સુરત શહેરમાં 7 વિદ્યાર્થી અને 6 વિર્દ્યાર્થિનીએ જીવન લીલા સંકેલી હતી, આ અરસામાં 53 વિદ્યાર્થીએ અને 82 વિર્દ્યાર્થિનીઓએ જિંદગી વ્હાલી કરી છે. ગુજરાત અશાંતિ તેમજ અસલામતીનું રાજ્ય બનતું જઈ રહ્યું છે. વ્યાજખોરોના ત્રાસથી એકસાથે આખો પરિવાર આપઘાત કરી રહ્યો છે, તો હત્યા, લૂંટ તેમજ બળાત્કાર જેવી ઘટનાઓ પણ સતત વધી રહી છે. આ સમગ્ર ઘટનાઓના કુલ 4043 આરોપી આજે પણ ખુલ્લા ફરી રહ્યા છે. અમદાવાદ તેમજ સુરતમાં આ પ્રકારના ગુના સૌથી વધુ સામે આવ્યા છે. કેટલાક કેસોમાં પોલીસની ઢીલાશ પણ જોવા મળી છે, જેને કારણે ગુનેગારો બેફાર ગુનાને અંજામ આપી રહ્યા છે. જ્યારે ગાંધીનગર, જેને શાંત શહેર માનવામાં આવે છે, પરંતુ ત્યાં પણ બે વર્ષમાં 39 હત્યા, 24 બળાત્કાર, 46 લૂંટ, 500થી વધુ ચોરીઓ તેમજ 445 આપઘાતની ઘટનાઓ ઘટી છે.