સુરતની 14 વર્ષની સગીરાને 24 સપ્તાહનો ગર્ભપાત કરવા ગુજરાત હાઈકોર્ટની મંજૂરી
સુરતની 14 વર્ષની સગીરાને હાઈકોર્ટે 24 સપ્તાહનો ગર્ભપાત કરવા મંજૂરી આપી છે. સગીરા પર તેના બનેવીએ દુષ્કર્મ કર્યુ હતું. તેનાથી તેને ગર્ભ રહી ગયો હતો. હાઇકોર્ટે તબીબોના રિપોર્ટના આધારે સગીરના ગર્ભને પાડવા મંજૂરી આપી છે. હાઈકોર્ટે લીગલ એઇડ ઓથોરિટીના ચેરમેન સમક્ષ વળતર મેળવવા અરજી કરવા અને ચેરમેનને વળતર ચૂકવવાનો નિર્દેશ કર્યો છે. સુરતની સગીરાના તરફથી એડવોકેટ રફીક લોખંડવાલાએ એવી દલીલ કરી હતી કે, કોદરા ખાતે રહેતી 14 વર્ષની સગીરના ઘેર તેના સગા બનેવીએ વારંવાર આવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને અચાનક પેટમાં દુખાવો થતો હોવાથી તેના માતા-પિતા તબીબ પાસે ગયા હતા જ્યાં તે ગર્ભવતી હોવાનું જાણતા સમગ્ર ઘટના બહાર આવી હતી. સુરતની સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની પેનલે પીડિતાના તપાસનો એવો રિપોર્ટ આપ્યો હતો કે, તેને 24 સપ્તાહનો ગર્ભ છે. પીડિતાની માનસિક-શારીરિક સ્વાસ્થ્ય તપાસતાં તેના જીવને જોખમ હોવાથી ગર્ભ રાખી શકાય તેમ નથી તેવું તારણ રજૂ કર્યું હતું. જેને આધારે કોર્ટે ગાયનેકોલોજિસ્ટની પેનલે સગીરાનો ગર્ભપાત કરવા મંજૂરી આપી છે. આ સાથે જ લીગલ એઇડ સર્વિસના ચેરમેનને વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે. પીડિતાના ગર્ભના ટિબ્યૂન ડીએનએ તપાસવા રાખી મૂકવા આદેશ કર્યો છે. સગીરાના જીજાજી કોઇને કોઇ બહાને તેમના સસરાના ઘરે આવી એકલતાનો લાભ લઇને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. કોઇને કંઇ કહેશે તો મારી નાખવાની ધમકી આપતો હતો. પીડિતાને પેટમાં દુખવો થતા માતા-પિતાએ તબીબી તપાસ કરાવી હતી. રિપોર્ટમાં સગીરા ગર્ભવતી હોવાનું જાણતા હાઇકોર્ટમાં ગર્ભપાત માટે અરજ કરી છે.