શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 જાન્યુઆરી 2018 (11:34 IST)

ટોક ઓફ ધ સ્ટેટ' બનેલો સવાલ, મંત્રીપદના અસંતોષથી સરકાર વધુ મુસીબતમાં મૂકાશે

પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને બાદમાં રાજ્યકક્ષાનાં મંત્રી પરષોતમ સોલંકીએ ખાતાની ફાળવણી અંગે પોતાનાં અસંતોષ - નારાજગીને જાહેરમાં વ્યક્ત કર્યા છે. જેને લઇને સમગ્ર રાજ્યમાં 'ટોક ઓફ ધી ટાઉન' બનેલો પ્રશ્ન એવો છે કે, પટેલ, સોલંકી બાદ હવે અન્ય કયા ધારાસભ્ય પોતાની નારાજગી દર્શાવશે ? આગામી સમયમાં ભાજપ સરકાર આવા પડકારોથી મુશ્કેલીમાં મૂકાય એવી શક્યતાઓ છે. હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સમયે જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા અને સળંગ ચૂંટણી જીતતા હતા ત્યારે ક્યારેય કોઇ મંત્રી કે ધારાસભ્ય વિરોધ કરી શકતા નહોતા. કોઇની હિંમત પણ નહોતી. કેમકે હિન્દુ નેતા તરીકે ઉભરી આવેલા મોદી પોતાના નામ પર જ એકલા હાથે ગુજરાતમાં ૧૨૧થી વધુ બેઠકો લાવી આપતા હતા.

ભૂતકાલમાં જ્યારે પણ કોઇએ સીધી કે આડકતરી રીતે વિરોધ કે માગણી કરી હતી તેઓ બધા વર્ષોથી હાંસીયામાં ધકેલાઇ ગયા છે. પરંતુ હાલની સ્થિતિ સદંતર જૂદી છે. એક તો મોદી અહીં મુખ્યમંત્રી નથી. બીજી બાજુ ત્રણ યુવા નેતાઓએ ભાજપને નાકમાં દમ કરાવી રાખ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને જબરજસ્ત ફટકો પડયો છે. ૨૦૧૨ની સરખામણીમાં ભાજપને ૨૨ જેટલી બેઠકનું મોટું નુકસાન થયું છે. માત્ર ૯૯ બેઠકો સાથે પાતળી બહુમતિથી સરકાર બનાવી છે. આથી વર્ષોથી પોતાને અન્યાય થયાની લાગણી અનુભવી રહેલા નેતાઓ માને છે કે દિલ્હીમાં બેઠેલાં નેતાઓને 'દબાવવા' માટેનો આ સુવર્ણ સમય છે. જો મોટા નેતાઓ - મંત્રીઓની વાતની અવગણના કરવામાં આવે અને માંડ ૧૦ ધારાસભ્યો ભાજપ સાથે છેડો ફાડી નાખે તો ભાજપ સરકારને ઘરભેગી થવાનો વારો આવે. જો આવું થાય તો દેશભરમાં મોદી-શાહની ઈમેજને જબરજસ્ત ફટકો પડે. જેનું મોટું નુકસાન ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સહન કરવું પડે. આ તમામ બાબતોને હવે ભાજપનાં સૌ કોઇ નાના-મોટા નેતાઓ જાણી ગયા છે. એટલે પોતાનું ધાર્યું કરાવવા હાઇકમાન્ડને ઘૂંટણીએ પાડવાનું શરૃ કરાયું છે. નીતિન પટેલ અને પરષોતમ સોલંકીની માફક અન્ય કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યો ખાતાઓની ફાળવણી અને મંત્રીમંડળમાં સમાવવાનાં મુદ્દે ભારે આક્રોશમાં છે. સૂત્રો કહે છે કે આગામી દિવસોમાં આવા જ નારાજ ધારાસભ્યો, મંત્રીઓ ભાજપની સામે જાહેરમાં રોષ ઠાલવે કે બળાપો કાઢે તો કોઇને નવાઇ લાગશે નહીં.