શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (14:14 IST)

શિક્ષક દિન સ્પેશિયલ- મહેસાણાના પુસ્તક પ્રેમી શિક્ષકોની અનેરી પહેલ

જન્મ દિવસ, લગ્ન પ્રસંગ, મેરેજ એનીવર્સરી, સંતાનનો જન્મ, વાસ્તુપૂજન કે બેસણું દરેક પ્રસંગે પ્રસંગને અનુરૂપ અને જે તે વ્યક્તિની ઉંમર, સ્વભાવ ધ્યાનમાં રાખીને પુસ્તકની ભેટ આપી શુભેચ્છા પાઠવે છે મહેસાણાની વર્ધમાન વિદ્યાલયના આચાર્ય અને પુસ્તક પ્રેમી દિપકભાઈ કે.દેસાઈ. સંતાનોમાં પણ વાંચનનો શોખ કેળવાય તે માટે તેમના ઘરના દરેક રૂમમાં પુસ્તકોથી સજાવેલા બુક શેલ્ફ છે. ચંદ્રકાન્તભાઈ ચૌધરી  પાસે રહીને અભ્યાસ કરતા હોઈ દિપકભાઈએ તેમનો વાંચનનો શોખ અપનાવી લીધો હતો.

પંદરેક વર્ષ પહેલાં અખબારની કોલમોના વાંચનથી પુસ્તક ભેટ આપવાની પ્રેરણા મળી ત્યારથી સારા-માઠા પ્રસંગે પુસ્તક ભેટ આપીને શુભેચ્છા પાછવે છે. માતાના નિધન બાદ સમાજના તમામ 1000 જેટલા પરિવારોને તેમજ મોટાબાપાના જીવન પર્વ પ્રસંગે દરેકને પુસ્તકની ભેટ આપી હતી. દિપકભાઈ કહે છે, અન્ય કોઈ વસ્તુ આપીએ તો એક જ વ્યક્તિ ઉપયોગ કરે અને તે વસ્તુનું આયુષ્ય પણ ટૂંકુ હોય, જ્યારે પુસ્તક તે વ્યક્તિની સાથે સાથે અનેક લોકો વાંચે અને જ્ઞાન વધે. છેલ્લા પાંચેક વર્ષથી તો મારા મિત્રો-પરિચિતો મને પણ પુસ્તક ભેટ આપવા લાગ્યા છે.  દિપકભાઈની શાળામાં મહેમાનોનું સ્વાગત પુસ્તકથી થાય છે, છાત્રોને ઈનામમાં અન્ય ચીજોની સાથે પુસ્તક અપાય છે, વિદાય પ્રસંગે છાત્રોને પુસ્તકની ભેટ અપાય છે. જેનાથી તેઓ વાંચન માટે પ્રેરાય છે. શાળા અંગ્રેજી અને હિન્દી માધ્યમની છે એટલે ક્યારેક પસંદગીના પુસ્તક તે ભાષાનાં મેળવવા માટે અમદાવાદ જઈને શોધ કરવી પડે છે.

મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમાં શાળાના ગ્રંથાલય ઉપરાંત એક શિક્ષક પોતાની 100 જેટલા પુસ્તકોની મિનિ લાયબ્રેરી પણ ચલાવે છે અને વિદ્યાર્થીઓને વાંચનમાં રસ પડે તેવા પ્રયાસ પણ કરે છે. વનરાજભાઈ ચાવડા કહે છે કે, હું બીએડ્ કરતો હતો ત્યારે મારા ગુરૂ અરૂણભાઈ ત્રિવેદી કહેતા કે, વાંચન કરતા રહેવું જોઈએ, શિક્ષક તરીકે તમારી પાસે જ્ઞાન હશે તો તમે તમારા વિદ્યાર્થીઓને કંઈક આપી શકશો.
 વનરાજભાઈના ઘરે વિવિધ પ્રકારના 2000થી વધુ પુસ્તકો છે, જે પુસ્તકો તેમના પાડોશીઓ, મિત્રો, પરિચિતોને પણ વાચવા માટે આપે છે. દશમા ધોરણથી જ વાંચનની ટેવ હતી અને વ્યાખ્યાન, ગુરૂ અરૂણભાઈ, વિશ્વગ્રામ સંસ્થાનો સંપર્ક સહિત બાબતો તેમનો વાંચન શોખ વધારતી ગઈ. તેમના કલેક્શનમાં ત્રણ-ચાર રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતાજી, બાઈબલ અને કુર્આન પણ છે.

વર્ષ 2005થી 2008 દરમિયાન વિશ્વગ્રામ સંસ્થાના નેજા હેઠળ વનરાજભાઈ તથા તેમના મિત્ર રમેશભાઈએ 300 પુસ્તકો સાથે ભમરિયાનાળા નજીક ફૂટપાથ પર પુસ્તક પરબ ચલાવી હતી. કોઈપણ વ્યક્તિને નામ, સરનામું કે ફોન નંબર હોય તો ફોન નંબર નોંધીને વાંચવા માટે નિ:શુલ્ક પુસ્તક આપતા હતા.

શાળાના આચાર્ય સહિત શિક્ષકોએ જણાવ્યું હતું કે, વનરાજભાઈ પાંચોટની શાળામાં હતા ત્યારથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસમાં આર્થિક મદદ કરે છે, મદદ મેળવતા એક વિદ્યાર્થીને પણ બીજા વિદ્યાર્થીની ખબર ન પડે અને તેમનું સ્વમાન જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખે છે.