બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 એપ્રિલ 2021 (18:32 IST)

વડોદરા જિલ્લાના ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મહામારી સંદર્ભે લેવાયેલા પગલા બાબતે નારાજગી વ્યક્ત કરી છે. કેતન ઈનામદારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સંવેદનશીલ મુખ્યપ્રધાન ગણાવી ને કહ્યુ છે કે, ગંભીરતાપૂર્વક વિચારીને પગલા ભરો. કોરોનાની વર્તમાન બીજી લહેરની ચેઈન તોડવા માટે લોકડાઉન લાદવાની જરૂર પડે તો લોકડાઉન પણ કરો. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લખેલા પત્રમાં વડોદરાના ગ્રામ્ય વિસ્તાર માટે લેવાયેલા નિર્ણયો સામે નારાજગી વ્યક્ત કરી છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલોને ઓક્સિજનનો પુરવઠો આપવા સામે મનાઈ ફરમાવાતા, ધારાસભ્ય કેતન ઈનામદારે શિષ્ટ ભાષામાં શાબ્દિક નારાજગી વ્યક્ત કરી છે. કેતન ઈનામદારે લખી જણાવ્યુ છે કે, પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓક્સિજનનો પુરવઠો આપવામાં આવતો હતો. હવે તે બંધ કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં સાવલી અને ડેસર વિસ્તારમાં સેવાભાની સંસ્થાઓની મદદથી ઓક્સિજન સાથેના તૈયાર કરાયેલ બેડનું શુ કરવું ? પહેલેથીજ વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં ઓક્સિજન ઓછો અપાતો હતો. હવે બંધ કરવાની વાત છે. તેની સામે મારો વિરોધ છે.

વિજય રૂપાણીને ગુજરાતના સંવેદનશીલ મુખ્યપ્રધાન લેખાવીને કેતન ઈનામદારે કહ્યુ છે કે ગંભીરતાપૂર્વક વિચારીને નિર્ણય લો. વડોદરા શહેર અને જિલ્લો એ ગુજરાતની મધ્યમાં આવેલો છે. વડોદરાની આજુબાજુમાં અનેક જિલ્લામાંથી દર્દીઓને વડોદરામાં સારવાર માટે લવાય છે. જેથી ઓક્સિજન નહી આપવાના નિર્ણયની ગંભીરથી અતિગંભીર અસર થશે.ગુજરાતમાં હાલ એક તરફ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને સામાજીક પ્રસંગો પણ ઉજવાઈ રહ્યાં છે. આ સંજોગોમાં કોરોનાનું સંક્રમણ વધવાની પૂરેપૂરી સંભાવના છે. આથી જરૂર પડે કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન લાદવાની જરૂર પડે તો લોકડાઉન કરવુ અથવા તેના જેવા અન્ય કોઈ પગલાં ભરવા પણ કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને જણાવ્યુ છે.વડોદરા શહેર અને જિલ્લામાં કોવિડ સેન્ટર અને હોસ્પિટલ કાર્યરત છે. આ કોવિડ સેન્ટર અને હોસ્પિટલોમાં કોરોનાની ગંભીર અસર પામેલા દર્દીઓ દાખલ થાય છે. જેમને રેમડેસિવીર ઈન્જેકશન આપવુ જરૂરી છે. પણ રેમડેસિવીર ઈન્જેકશન મળતા નથી આથી દર્દીના પરિવારજનોને બ્લેકમાં પણ રેમડેસિવીર ઈન્જેકશન ખરીદવા પડે છે. કેતન ઈનામદારે ધારણ કરેલો ભાજપનો ભગવો ખેસ ભૂતકાળમાં ફગાવવાની તૈયારી દાખવી હતી. પરંતુ ભાજપના પ્રદેશકક્ષાના મોવડીઓની સમજાવટના અંતે તેઓએ કોઈ પગલુ ભર્યુ નહોતું. ગુજરાતમાં ભાજપની બોલબાલા અને જે તે સમયે ગુજરાતમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હતા ત્યારે કેતન ઈનામદાર સાવલી બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અને પાછળથી ભાજપમાં જોડાયા હતા.