એક વર્ષમાં હદયને લગતી અલગ અલગ બિમારીથી પીડાતા દર્દીઓનો આંકડો ખુબ જ મોટો
રાજયમાં હદયને લગતી બિમારીના કેસમાં ચિંતાજનક સ્તરે વધારો નોધાઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં હદયને લગતી અલગ અલગ બિમારીથી પીડાતા દર્દીઓનો આંકડો ખુબ જ મોટો છે. ગુજરાતમાં વર્ષ 2024ના છેલ્લા છ મહિનામાં હૃદય રોગ સંબંધિત બીમારીના 40,047 ઈમરજન્સી કોલ્સ નોંધાયા છે, ગત વર્ષ 2023ના અરસામાં છ મહિનામાં 33,936 કોલ્સ 108 એમ્બ્યુલન્સને મળ્યા હતા, આમ ગત વર્ષની સરખામણીએ હૃદય રોગની ઈમરજન્સીના કેસમાં 6,111 કોલ્સ વધ્યા છે. આમ રાજ્યમાં છ મહિનામાં હૃદય રોગની ઈમરજન્સીના રોજના 220 કોલ્સ આવ્યા છે, જે ગત વર્ષે આ સમયે 186 જેટલા કોલ્સ હતા.
આ વખતે ઉનાળામાં મે મહિનામાં સૌથી વધુ 7175 કેસ નોંધાયા છે. બીજી તરફ માર્ગ અકસ્માતના કેસમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે, ગત વર્ષ 2023ના છ મહિનામાં માર્ગ અકસ્માતના 81,192 કોલ્સ હતા, જે આ વખતે વધીને 81,305 થયા છે. કોવિડ પછી હૃદય સંબંધિત બીમારી વકરી છે, તબીબોના મતે ફાસ્ટ ફૂડ, આલ્કોહોલનું સેવન, ઝડપી અને અનિયમિત જીવનશૈલી, અપૂરતી ઊંઘ, સ્ટ્રેસ, સ્મોકિંગ જેવા કારણો પણ જવાબદાર છે, અગાઉના વર્ષોની સરખામણીએ અત્યારે 30થી 40 વર્ષની વયના યુવાનોમાં હૃદય રોગના કેસનું પ્રમાણ 20 ટકા આસપાસ વધ્યું છે. આ બીમારીમાં તબીબી સલાહ લઈને ચાલવાની ટેવ તેમજ કસરત કરી શકાય છે, સાત કલાકથી ઓછી ઊંઘ લેતાં હોય તેવા લોકોમાં હૃદય રોગની શક્યતા રહે છે, તેમણે પૂરતી ઊંઘ લેવી જોઈએ.