શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 સપ્ટેમ્બર 2022 (10:32 IST)

આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્રની શરૂઆત, કુલ આટલા બિલ રજૂ કરાશે

આજે વિધાનસભાનું 2 દિવસીય વિશેષ સત્ર શરૂ થવાનું છે. આ સત્રની શરૂઆત ટૂંકી મુદતના પ્રશ્નથી થશે. જેમાં ચોમાસામાં વરસાદથી રસ્તાને થયેલા નુકસાન અંગે તથા બનાસકાંઠા, જામનગરમાં ખેતીને થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે સત્ર દરમિયાન વિવિધ વિભાગના કાગળ ટેબલ ઉપર મુકવામાં આવશે અને અનુમતિ મળેલા વિધેયકને પણ ટેબલ ઉપર મુકવામાં આવશે.ઉપરાંત ઢોર નિયંત્રણ બિલ રાજ્યપાલના સંદેશ સાથે પરત કરવાની જાહેરાત થશે. જે પહેલાં ગૃહમાં ઢોર નિયંત્રણ બિલ પાછુ ખેંચવા અનુમતિ માંગતો પ્રસ્તાવ મુકવામાં આવશે. આ પ્રસ્તાવ શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયા લાવશે. સાથે સત્ર દરમિયાન ત્રણ સરકારી વિધેયક પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે, જેમાં ગુજરાત માલ અને સેવા વેરો સુધારા વિધેયક, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ વિધેયક રજૂ થશે.

થોડાક દિવસ અગાઉ જ રખડતા ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચાશે તેવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ બિલને કાયદો બનાવવા માટે તેણે રાજ્યપાલ પાસે સહી કરવા મોકલવામાં આવ્યું હતું. જ્યાર બાદ રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાશે તેવા સંકેત આપવામાં આવ્યા હતા. રાજ્યપાલે બિલ પુનઃવિચારણા માટે મોકલ્યું હતું કે જેનો સીધો અર્થ એ થયો હતો કે વિધાનસભા સત્રમાં આ બિલ આજે પરત ખેંચાશે. મહત્વનું છે કે તારીખ 21 અને 22 સપ્ટેમ્બરે એટલે કે આજે અને કાલે એમ બે દિવસીય વિધાનસભા સત્ર યોજાવા જઈ રહ્યું છે જેમાં ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવાનો પ્રસ્તાવ પસાર થઇ શકે છે.પ્રથમ દિવસે કુલ 4 સુધારા વિધેયક રજૂ કરાશે, જ્યારે બીજી બેઠકમાં ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. સત્ર દરમિયાન ટૂંકી મુદતના પ્રશ્ન પણ પૂછવામાં આવશે. રાજ્ય સરકાર રખડતાં ઢોર નિવારણ કાયદો આજે પરત ખેંચશે. માલધારી સમાજની માંગને ધ્યાનમાં રાખી સરકારે અગાઉ આ જાહેરાત કરી હતી.