સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (09:55 IST)

આમ આદમીને વધુ એક મોંઘવારીનો માર, 3 દિવસમાં સિંગતેલના ભાવમાં થયો આટલો વધારો

દેશભરમાં મોંઘવારીએ માઝા મુકી છે. સામાન્ય વ્યક્તિ માટે એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ સર્જાઇ રહી છે. એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. તો બીજી તરફ શાકભાજીથી માંડીને જીવન જરૂરિયાતની વસ્તુઓમાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં ઘરખમ વધારો થયો છે. સરકાર મોંઘવારી પર કાબૂ મેળવવ માટે સતત પ્રયત્ન કરી રહી છે પરંતુ બે છેડા મળી રહ્યા નથી. 
 
આમને આમ, લોકો ડાયેટિંગ કરતા થઈ જશે. ગુજરાતમાં ફરી એકવાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. છેલ્લા ૩ દિવસમાં સિંગતેલમાં ૪૦ રૂપિયાનો વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં મગફળીની દૈનિક આવક વધી છતાં સિંગતેલમાં ભાવ વધારો થયો છે.
 
સિંગતેલમાં છેલ્લા ૩ દિવસમાં ૪૦ રૂપિયાનો વધારો થયો છે. હાલ સિંગતેલના ડબ્બાના ભાવ ૨૪૨૦ ની આસપાસ પહોંચ્યા છે. સૌરાષ્ટ્રની મિલોમાં સીંગતેલનું દૈનિક ઉત્પાદન ૩૦૦ ટન છે. સિંગતેલની સાથે અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૨૩૫૦ ની આસપાસ પહોંચ્યો છે. આમ, ગૃહણીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે.
 
સિંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલોમાં ભાવ વધારો યથાવત છે. સતત ત્રણ દિવસથી ખાદ્ય તેલોમાં ભાવ વધારો થઈ રહ્યો છે. જેના પર સરકારનો કોઈ પ્રકારનો અંકુશ નથી. ચાર દિવસ પહેલા જ સિંગતેલમાં ૩૦ રૂપિયાનો અને કપાસિયા તેલમાં ૨૦ રૂપિયાનો ભાવ વધારો થયો હતો.
 
તો પામ તેલમાં ૨૦ રૂપિયાનો ભાવ વધારો, સોયાબીનમાં ૧૦ રૂપિયા ભાવ વધારો, સનફ્લાવર ઓઈલમાં ૧૦ રૂપિયા ભાવ વધારો અને મકાઈના તેલમાં ૧૫ રૂપિયાનો ભાવ વધારો થયો હતો. છતા ચાર દિવસમાં ફરીથી તેલના ભાવ વધ્યા છે. અન્ય તેલના ભાવ પર નજર કરીએ તો, પામતેલનો ડબ્બો ૨૨૦૦ રૂપિયા, સોયાબીન તેલનો ડબ્બો ૨૨૫૦ થી ૨૩૦૦ રૂપિયા, સનફ્લાવર્સ તેલનો ડબ્બો ૨૧૫૦ રૂપિયા અને મકાઈના તેલનો ડબ્બો ૨૦૮૦ રૂપિયા પર પહોંચ્યો છે.