રવિવાર, 25 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (11:56 IST)

મહેસાણામાં માતાએ જ પોતાની 3 વર્ષની લાડકી દીકરીની ગળે ટૂંપો આપી હત્યા કરી

રાજ્યમાં પ્રેમ પ્રસંગના બનાવોમાં વિચિત્ર કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. છુટા છેડાથી લઈને પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચવાના અનેક કિસ્સા રોજ પ્રકાશમાં આવે છે. પરંતુ ઉત્તર ગુજરાતના મહેસાણામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે રૂંવાટા ઉભા કરી નાંખનારો છે. મહેસાણા શહેરના ગોકુલધામ ફ્લેટ સામેની ઝુંપડીમાં માતા સાથે રહેતી 3 વર્ષની બાળકી ગુમ થયા બાદ બુધવારે સવારે બાજુના ખેતરમાંથી ગળે દુપટ્ટો વીંટેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. તપાસ દરમિયાન પોલીસ ડોગ મૃતક બાળકીની માતા સામે આવીને ઉભો રહેતાં પોલીસે શંકાના આધારે પૂછપરછ હાથ ધરી હતી. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માતાએ ગુનો કબૂલી લીધો છે અને આજે કોવિડ ટેસ્ટ બાદ કાયદેસર ધરપકડ કરવામાં આવશે. સૂત્રો મુજબ, આ મહિલાને પ્રેમી સાથે ભાગી જવું હોઇ બાળકી કાંટારૂપ જણાતાં મારી નાખી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ગોકુલધામ ફ્લેટની સામે ઝુંપડીમાં રહેતી રાધિકા અરવિંદ સાંગરણા તેની 3 વર્ષની પુત્રી સોનાક્ષી સાથે સૂતી હતી. ત્યારે રાત્રે 3 વાગે બાળકી જોવા ન મળતાં આસપાસની ઝુંપડીમાં રહેતાં લોકોને જગાડી શોધખોળ હાથ ધરી હતી. બુધવારે સવારે સાતેક કલાકે ઝુંપડીની બાજુના ખેતરમાંથી ગળે દુપટ્ટો વીંટેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવતાં એસપી ડો.પાર્થરાજસિંહ ગોહીલ સાથે એ ડિવિઝન, એલસીબી, એસઓજી, એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પોલીસે હાજર તમામનાં નિવેદન સાથે પંચનામું કર્યું હતું. બાળકીના મૃતદેહને સિવિલમાં ડોક્ટરની પેનલ દ્વારા પીએમ કરાયુું હતું. આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસે હાલના તબક્કે અજાણ્યા શખ્સો સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.