1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 માર્ચ 2022 (11:49 IST)

રાજકોટમાં પ્રેમનો કરૂણ અંજામ, હોટલમાં યુવકે યુવતીને પ્લાસ્ટિકની પટ્ટીથી ગળેટૂંપો આપી હત્યા કરી, બાદમાં પોતે એસિડ પીધું

રાજકોટમાં નોવા હોટલમાં ગઇકાલે રાતે પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા એ ડિવીઝન પોલીસ દોડી જઇ યુવતીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી જામનગરની અને યુવાન કચ્છનો હોવાનું ખુલ્યું છે. યુવાને પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો દઇ યુવતીને પતાવી દીધાનું સામે આવ્યું છે.

જામનગરની યુવતી અને કચ્છનો યુવાન જેમીસ ધનરાજભાઈ દેવાયતા બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું છે. ACP જી.એસ. ગેડમે આ અંગે જણાવ્યું હતું કે, જેમીસે યુવતીના ગળે પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો આપી હત્યા કર્યાનું પ્રાથમિક તારણ છે. જેમીસ અને યુવતી ગઇકાલે સવારે 9 વાગ્યે નોવા હોટલમાં આવ્યા હતા. આ બંને હોટલના 301 નંબરના રૂમમાં રોકાયા હતા. જેમીસે યુવતીની હત્યા અને પોતે એસિડ પીતા પહેલા પરિવારને જાણ કરી હતી. જેમીસ હોટલમાં એસિડ કેવી રીતે લઇ ગયો તેની તપાસ કરવામાં આવશે. હાલ બંનેના ફોન કબ્જે કરવામાં આવ્યા છે અને ફોનમાંથી પોલીસને રેકોર્ડિંગ મળ્યા છે.મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, ગઇકાલે સવારથી જ મારી દીકરીનો ફોન બંધ આવતો હતો. સાંજ સુધી ઘરે ન આવતા અમે ફોન કર્યો હતો. ફોન કરતા જેમીસે મારી દીકરીની હત્યા કરી નાખી અને હું પણ આપઘાત કરું છું એવું કહ્યું હતું. કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું. આ પગલું ભરવાનું કારણ કોઈ સ્પષ્ટ કહ્યું નહોતું.જેમીસને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. યુવતીએ પણ પોતાની માતાને ફોન કરી મદદ માગી હતી પરંતુ માતા-પિતા જામનગરથી રાજકોટ પહોંચે તે પહેલા જેમીસે તેની હત્યા કરી નાખી હતી. હોટલના બાથરૂમમાં લોહીના નિશાન અને એક જીન્સનું પેન્ટ મળી આવ્યું છે. તેમજ જેમીસ એસિડ પ્લાસ્ટિકની કોથળીમાં લાવ્યો હોવાનું જાણવા મળી આવ્યું છે. પોલીસ આ અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.