1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (21:05 IST)

10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે વાયબ્રન્ટ સમિટ, CMની અધ્યક્ષતામાં આજે રૂપરેખા તૈયાર કરાશે

કોરોનાકાળ બાદ પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન થઇ રહ્યું છે. ગુજરાત સરકાર આયોજનને આખરી ઓપ આપી રહી છે. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ સમિટ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને વાઇબ્રન્ટ સમિટના આયોજન અંગે માર્ગદર્શન આપ્યા બાદ હવે સમિટના આયોજન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ઉદ્યોગ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી છે, જેમાં વાઇબ્રન્ટ સમિટની થીમ, પાર્ટનર કન્ટ્રી, વિવિધ દેશોના મહાનુભાવોને આમંત્રણ આપવા સહિતની બાબતોને આખરી ઓપ અપાશે.

કોરોના મહામારીને કારણે આ વખતે વાઇબ્રન્ટ સમિટનું મહાત્મા મંદિર ખાતે મુખ્ય આયોજન ઉપરાંત વર્ચ્યુઅલ પ્લેટફોર્મની પણ વ્યવસ્થા કરાય તેવી શક્યતા છે. જેથી જે દેશોના આમંત્રિતો તેમજ રોકાણકારો રૂબરૂ આવી ન શકે તો વીડિયો કોન્ફરન્સથી જોડાઇ શકશે. દર વખતે અધિકારીઓ આમંત્રણ આપવા અને વાયબ્રન્ટના પ્રચાર માટે વિવિધ દેશોના પ્રવાસે જતા હોય છે પરંતુ આ વખતે કોરોનાને કારણે અનેક દેશોમાં નિયંત્રણ હોવાથી રૂબરૂ મોકલાય તેવી શક્યતા નથી. વાઇબ્રન્ટ સમિટની સાથે રાજ્યમાં વિવિધ ક્ષેત્રે નવી પોલીસી જાહેર કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા વિચારણા થશે. જે પોલીસીની મુદ્દત પૂર્ણ થઇ રહી છે તેની સમીક્ષા કરાશે અને નવી કઇ કઇ પોલીસી જાહેર કરવી જે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.