બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 જુલાઈ 2019 (15:39 IST)

વિઠ્ઠલભાઈ રાદડિયા અજેય ખેડૂત નેતા અને ગરીબોના બેલી હતાં: વિજય રૂપાણી

વિઠ્ઠલભાઈના જવાથી ગુજરાતની નેતાગીરીમાં બહુ જ મોટી ખોટ પડશે: વિજય રૂપાણી 
અમદાવાદ: જામકંડરોણા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લાંબી બીમારી બાદ અવસાન પામેલ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને ઊંડા દુઃખની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઈ અજેય ખેડૂત નેતા અને ગરીબોના બેલી હતાં. 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે તેઓ જમીની કાર્યકર હતાં, ખુબ સંઘર્ષ કરી તેઓ લોકપ્રિય નેતા બન્યા હતાં. તેમના જવાથી ગુજરાતની નેતાગીરીમાં બહુ મોટી ખોટ પડશે. સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના પુત્ર અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાને મળી તેમણે દુઃખના સમયે સૌ લોકો તેમની સાથે હોવાનો સધિયારો પાઠવ્યો હતો. તેમણે વિશ્વાસ જતાવ્યો હતો કે સ્વ. વિઠ્ઠલભાઈના અધૂરા સ્વપ્નો ને જયેશભાઈ અને તેમની ટીમ પુરા કરશે.  
સ્વ. વિઠ્ઠલભાઈના અંતિમ દર્શને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી,  ગોરધન ઝડફિયા, રાજકીય, સામાજિક અગ્રણીઓ તેમજ કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુ કમિશ્નર બંછાનિધિ પાની, જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવાસીયા, સામાજિક અને સહકારીક્ષેત્રના આગેવાનો તેમજ સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો, મોટી સંખ્યામાં ગ્રામજનોએ સ્વ. વિઠ્ઠલભાઈને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.