ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 જુલાઈ 2024 (09:03 IST)

ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ સર્જાઈ, ક્યા જિલ્લાઓમાં આજે પડશે ભારે વરસાદ ?

rain in gujarat
ગુજરાતમાં સોમવારે મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
હવામાન વિભાગે આગામી દિવસોમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય કે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
 
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં 10 દિવસ સુધી વરસાદની શક્યતા છે. એટલે કે 10 કે 11 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ વરસશે.
 
ગુજરાતમાં સૌરાષ્ટ્ર -કચ્છ પર નવી સિસ્ટમ બની છે. અહીં જાણીએ કે કયા જિલ્લામાં ઑરેન્જ અને યલો ઍલર્ટની આગાહી કરવામાં આવી છે?
 
ગુજરાતમાં હાલ ક્યાં પડી રહ્યો છે વરસાદ?
 
 
ગુજરાતમાં હાલના સમયમાં વરસાદની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.
 
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે અને હાલમાં પણ રસ્તામાં પાણી જોવા મળી રહ્યું છે.
 
સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક સ્થળોએ વરસાદ થયો હતો. ગુજરાતમાં છૂટીછવાઈ જગ્યાએ અતિભારે વરસાદ પડ્યો હતો.
 
સુરત, વલસાડ, સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, કચ્છ, અરવલ્લી, અમદાવાદ, ભરૂચ, નવસારી, તાપી, પોરબંદર, અમરેલી અને મોરબીમાં પણ અતિ ભારે વરસાદ પડ્યો છે.
 
ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર બની વરસાદી સિસ્ટમ
 
 
હાલમાં ગુજરાત પર ત્રણ સિસ્ટમ સર્જાઈ છે. એક છે દક્ષિણ ગુજરાત પર, બીજી છે ઉત્તર ગુજરાત પર, રાજસ્થાન તરફ અને ત્રીજી છે અરબી સમુદ્ર પર. આ સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિઓ વધી છે.
 
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેશે.
 
જોકે, આગામી કેટલાક દિવસો બાદ વરસાદ ઘટી શકે છે અને એ બાદ ફરી વરસાદનું જોર રહે તેવી શક્યતા છે.
 
'સ્કાયમેટ વેધર' અનુસાર, આગામી 24 કલાકમાં કેટલીક જગ્યાએ વરસાદનું અનુમાન છે. આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાત, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવા, પૂર્વોત્તર રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ઉત્તર મધ્યપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી છે.
 
ગુજરાત સિવાય, હરિયાણા અને બંગાળ, સિક્કિમ પર પણ એક સિસ્ટમ બનેલી છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
 
ગુજરાતમાં ક્યાં ઑરેન્જ ઍલર્ટ જાહેર આવ્યું?
 
ગુજરાતમાં બીજી જુલાઈએ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
હવામાન વિભાગ અનુસાર આજે કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
 
આ સિવાય, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને દમણમાં પણ ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.
 
તો ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ સાથે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 
બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
જે જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે. અહીં છૂટોછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.