રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 ડિસેમ્બર 2019 (17:05 IST)

મહિલા સશક્તિકરણને પ્રાથમિકતા નહીં, રેપ રોકવામાં પોલીસ નિષ્ફળ : ADG અનિલ પ્રથમ

ગુજરાતમાં 48 કલાકમાં જ બનેલી બળાત્કારની ત્રણ ઘટનાઓને લઇને દીકરીઓ- મહિલાઓની સુરક્ષાની ચિંતા વધી છે. તેવામા સીઆઇડી ક્રાઇમના વુમન સેલના ADG અનિલ પ્રથમે ચિંતા વ્યક્ત કરીને અનેક પ્રશ્ન ઉઠાવ્યા છે. તેઓએ ફેસબુક પર પોસ્ટ કરીને જિલ્લાના એસપી અને શહેરોના પોલીસ કમિશ્નરને પૂછ્યું કે, શું મહિલા સશક્તિકરણ તેમની પ્રાથમિકતામાં આવતી નથી? રાજ્ય અને કેન્દ્ર સરકાર  દ્વારા મહિલા સશક્તિકરણની તમામ યોજનાઓ હોવા છતાં કેમ પોલીસ આ મુદ્દે કેમ નિષ્ફળ રહે છે?રાજય પોલીસ વિભાગના CID ક્રાઇમ (વુમન સેલ)ના અધિક પોલીસ મહાનિર્દેશક અનિલ પ્રથમે પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, “આખા ભારતમાં બળાત્કારના સમાચાર સામે આવ્યા છે, ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં 3 બળાત્કાર થયા છે. મને આઘાત લાગ્યો છે જેથી હું મારી નૈતિક અને બંધારણીય ફરજ સમજી આ મહિલા સશક્તિકરણ મુદ્દે મારો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યો છુ કે. હું વુમન સેલના ADG તરીકેનો હોદ્દો 2012થી સંભાળું છુ”.એડીજી અનિલ પ્રથમે પોતાની ફેસબુક પોસ્ટમાં સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે ચાલતી ઢગલાબંધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો છે. જેમાં 181 મહિલા હેલ્પલાઇન, મહિલા સુરક્ષા સમિતિ, ફ્રેંડ્સ ફોર વુમન એન્ડ ચાઇલ્ડ, મહિલાઓ પર થતાં અત્યાચારની તપાસ શાખા, જેન્ડર રિસોર્સ સેન્ટર, સુરક્ષા સેતુ, કોઓર્ડિનેશન વીથ NGO, ગુડ એન્ડ બેડ ટચ જેવી સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરતા રાજ્યની કાયદા વ્યવસ્થાની જવાબદારી સંભાળનાર તમામ કમિશ્નર અને એસપીને સીધો પ્રશ્ન કર્યો કે મહિલા સુરક્ષા, સંરક્ષા અને સશક્તિકરણ તેમની પ્રાથમિકતાની યાદીમાં કેમ મોખરે નથી?એડીજી અનિલ પ્રથમે પ્રશ્ન કર્યા કે શું મહિલા સશક્તિકરણ તેમની પ્રાથમિકતામાં નથી ?, શું શહેરો અને જિલ્લાઓના સીપી અને એસપી માટે સરકાર દ્વારા ચાલતી ઉપરોક્ત યોજનાઓ અને પ્રયાશો પર્યાપ્ત નથી?, રાજ્ય અને કેન્દ્ર પાણીની માફક પૈસા મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની યોજનાઓ પર વાપરી રહી છે છતાં પોલીસ નિષ્ફળ કેમ છે અને કેમ પોલીસ નાગરિકો સાથે સંવાદ સાધવામાં નિષ્ફળ છે? એક ગુજરાતી ચેનલને અનિલ પ્રથમે જણાવ્યું કે, હું અંગત રીતે અનુભવું છું કે શહેરોમાં અને જિલ્લાઓમાં મહિલા સશક્તિકરણને પ્રાથમિકતા આપવામાં આવતી નથી, પોલીસ પાસે ઘણું કામ હોય છે, પરંતુ આ કામ પ્રાથમિકતામાં નથી. મેં જોયું છે કે CP અને SP મહિલા સશક્તિકરણને તેમની પ્રાથમિકતામાં રાખતા નથી, તેથી નિષ્ફળતા દેખાઇ રહી છે.”