બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 ડિસેમ્બર 2019 (11:15 IST)

સુરતમાં હેલ્મેટ પહેર્યા વિના નિકળેલા લોકો પાસેથી એક દિવસમાં 20 લાખનો દંડ વસૂલાયો

સુરત શહેરમાં ટ્રાફિક પોલીસે વાહનચાલકો પાસેથી ટ્રાફિક નિયમોના ભંગપેટે એક જ દિવસમાં 20.57 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. જેમાં 15.25 લાખ રૂપિયા બાઇકચાલકો પાસેથી અને તેમાં પણ માત્ર હેલ્મેટ ન હોવાના 1700 કેસ કરીને 8.50 લાખ રૂપિયા વસૂલ કર્યા છે. શહેરમાં હેલ્મેટ વગર ડ્રાઇવિંગના લીધે અને બીઆરટીએસમાં પ્રવેશવાના લીધે થયેલા અકસ્માતોમાં છેલ્લા દસ દિવસમાં સાત લોકો મોતને ભેટ્યાં છે. આમ છતાં હેલ્મેટ ન પહેરવાથી ઉઘરાવાતો દંડ સતત વધી રહ્યો છે. લોકો ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ પાલન કરતા થશે તો તેનાથી અકસ્માતોનું પ્રમાણ ઓછું થશે અને ટ્રાફિક નિયમન પણ સારી રીતે થશે. તેથી ટ્રાફિક બ્રાંચ ટ્રાફિક નિયમોના વધુમાં વધુ કેસ કરીને દંડ વસૂલી રહી છે. 
જેથી લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય. શનિવારે એક જ દિવસમાં ટ્રાફિક નિયમોના ભંગ દંડપેટે શહેરના વાહનચાલકો પાસેથી કુલ 20.57 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. તેમાં સૌથી વધુ બાઇક-મોપેડચાલકો પાસેથી 15.15 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. તેમાં પણ હેલ્મેટ વગરના 1700 કેસ કરવામાં આવ્યા છે. તેના 8.50 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. નો પાર્કિંગમાં મોટરસાઇકલ પાર્કિંગના 350 કેસ કરીને 1.80 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો હતો. ત્રિપલસવારીના નિયમના ભંગપેટે 1.36 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. થ્રી વ્હિલરમાં વધુ પેસેન્જર બેસાડવાના કેસ કરીને એક લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો છે. 
કારમાં ડાર્ક ફિલ્મના અને સીટ-બેલ્ટ નહીં બાંધવાના તેમ જ નો પાર્કિંગના કેસ કરીને 3 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો છે. આ સાથે BRTSમાં ઘૂસનારા પાસેથી 90 હજાર વસૂલ્યા છે.ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુમ્બેના જણાવ્યા અનુસાર, બીઆરટીએસમાં અકસ્માતોના બનાવો વધારે બની રહ્યા છે. આવા અકસ્માતો બનતા અટકાવવા માટે બીઆરટીએસ રૂટમાં અન્ય વાહનો પ્રવેશનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે શનિવારે ખાસ ડ્રાઇવ રાખવામાં આવી હતી. એક જ દિવસમાં અલગ-અલગ રૂટ પર 150 કેસ કરીને કુલ 90 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આગળ પણ આવી ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે.