વનમહોત્સવ પાછળ કરોડોનો ખર્ચ કર્યો પણ ગુજરાતમાં ટ્રી કવર ઘટ્યું
૫મી જૂને દુનિયાભરમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાશે.ગુજરાત સરકારે પણ કાર્યક્રમ આયોજિત કર્યા છે.વાસ્તવમાં ગુજરાતમાં ભાજપ સરકારને જ પર્યાવરણ,જંગલ પ્રત્યે ઝાઝો રસ નથી કેમ કે, વન મહોત્સવ પાછળ કરોડોનો ધુમાડો કર્યા બાદ પણ ગુજરાતમાં વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં ઝાઝો ફરક પડયો નથી. જંગલ વિસ્તારમાં ય ઝાઝો વધારો થયો નથી બલ્કે અમદાવાદ સહિત પાંચ જીલ્લાઓમાં ટ્રી-કવર ઘટ્યુ છે. રાષ્ટ્રીય વનનીતિ મુજબ,રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારનો ૧-૩ વિસ્તાર વૃક્ષ આચ્છાદિત હોવો જોઇએ. ખુદ ભાજપ સરકારે જ કબૂલ્યુ છેકે, રાજ્યના ૧૯૬,૦૨,૪૦૦ હેક્ટર પ્રમાણે ૬૪,૩૪,૧૩૩ હેક્ટર વિસ્તાર વૃક્ષ આચ્છાદિત હોવો જોઇએ પણ અત્યારે ગુજરાતમાં ૨૨,૩૦,૨૬૪ હેક્ટર વૃક્ષ આચ્છાદિત વિસ્તાર છે. વાયબ્રન્ટ ગુજરાત જંગલ-પર્યાવરણ પ્રત્યે એટલુ બેદરકાર રહ્યુ કે, ટ્રી કવરમાં દશમાં ૨૮માં ક્રમે રહ્યું છે. સોશિયલ ફોરેસ્ટ્રીના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં હાલમાં માત્ર ૧૧.૪ ટકા વિસ્તાર જ વૃક્ષ આચ્છાદિત રહ્યુ છે. કુલ ભૌગોલિક વિસ્તારમાં ૩૭૮ સ્કે.કીમી ઘન જંગલ છે. છેલ્લા બે વર્ષમાં ઘન જંગલમાં કોઇ ઘટાડો-વધારો થયો નથી.સામાન્ય જંગલમાં નજીવો વધારો થયો છે. ખુલ્લા જંગલમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૧૫ની સરખારણીમાં વર્ષ ૨૦૧૭માં વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં માત્ર ૪૭ સ્કે.કીમીનો વધારો થયો છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં ૧ ટકા,મહેસાણામાં ૧ ટકા,પંચમહાલમાં ૫ ટકા,નર્મદામાં ૨ ટકા અને સુરેન્દ્રનગરમાં ય ૨ ટકાનો ઘટાડો થયો છે. આ એજ દર્શાવે છેકે, સરકાર-વન વિભાગના દાવા કેટલાં સાચા છે. રાજ્ય વન વિભાગ વૃક્ષ વાવેતર પાછળ કરોડો રુપિયા ખર્ચે છે .વન મહોત્સવ ઉજવી પર્યાવરણ પાછળ સરકાર કેટલી ચિંતિત છે તેવો દેખાડો કરી કરોડો રુપિયાનો ધુમાડો કરાય છે આમ છતાંય ગુજરાતમાં હરીયાળી દેખાતી નથી.