શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 એપ્રિલ 2023 (19:17 IST)

Ambaji News - વિશ્વનું સૌથી મોટું અને મોંઘું "શ્રી યંત્ર" શક્તિપીઠ અંબાજીમાં સ્થાપિત થશે

1 કરોડના ખર્ચે પંચધાતુમાંથી નિર્મિત શ્રી યંત્રને બનાવવા 25 કારીગરો મહેનત કરી રહ્યાં છે
 
૨૦ એપ્રિલે જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ મેરુ શ્રી યંત્રની પૂજા કરી ચારધામ યાત્રાને પ્રસ્થાન કરાવશે
 
 
Ambaji News આદ્ય શક્તિ માં અંબાના ધામ અંબાજી ખાતે આવનારા સમયમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર સ્થાપિત થવા જઈ રહ્યું છે. જેનું નિર્માણ જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. શ્રી યંત્રનું નિર્માણ નિર્વિઘ્ને પૂર્ણ થાય એ હેતુસર દીપેશભાઈ પટેલ અને જય ભોલે ગ્રુપ અમદાવાદના સભ્યો દ્વારા શ્રી યંત્રની પ્રતિકૃતિ સમાન મેરુ શ્રી યંત્ર સાથે ચારધામની યાત્રાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે એમની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ ૨૦ મી એપ્રિલે પાલનપુર ખાતે મેરુ શ્રી યંત્રની પૂજા અર્ચના કરી જય ભોલે ગ્રુપ અમદાવાદની ચારધામ યાત્રાને લીલીઝંડી આપી  પ્રસ્થાન કરાવશે.
 
ભવ્ય શ્રી યંત્ર માં અંબાને અર્પણ કરવામાં આવશે
આદ્ય શક્તિ માં અંબામાં અનન્ય શ્રદ્ધા અને આસ્થા ધરાવતા જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ અને સભ્યો દ્વારા અંબાજી મંદિરમાં વિશ્વનું સૌથી મોટું અને મોંઘું શ્રી યંત્ર અર્પણ કરવામાં આવશે. આ શ્રી યંત્રના નિર્માણમાં કોઈ વિઘ્ન ન આવે અને નિર્વિઘ્ને શ્રી યંત્ર પૂર્ણ થાય એ માટે દીપેશભાઈ પટેલ અને એમના મિત્રોનું જય ભોલે ગ્રુપ અમદાવાદ ચાર ધામની યાત્રાએ જવાનું છે. ચારધામ યાત્રામાં  શ્રી યંત્રની પ્રતિકૃતિ રૂપે ૩૨ કિલો વજનનું મેરુ શ્રી યંત્ર  લઈ જવામાં આવનાર છે. જ્યાં દરેક મંદિર- ધામમાં તેની પૂજા અર્ચના કરવામાં આવશે. ચારધામ યાત્રા પૂર્ણ થયા બાદ શાસ્ત્રોકત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર દ્વારા અંદાજીત એક કરોડના ખર્ચે  પંચ ધાતુમાંથી બનનાર ૨૨૦૦ કિલો વજન અને સાડા ચાર ફૂટ લંબાઈ પહોળાઇ અને ઊંચાઈ ધરાવતું દિવ્ય અને ભવ્ય શ્રી યંત્ર માં અંબાને અર્પણ કરવામાં આવશે. 
 
શ્રી યંત્રના પ્રકાર અને તેનું મહત્વ
શ્રી વિદ્યામાં જણાવ્યા મુજબ શ્રી યંત્ર મેરુ, ભૂ પૃષ્ઠ અને કુર્મ પૃષ્ઠ એમ ત્રણ પ્રકારના હોય છે. જેમાં સૌથી શ્રેષ્ઠ અને ઉચ્ચ મેરુ શ્રી યંત્ર કહેવાય છે. જે પિરામિડ આકારનું હોય છે. જ્યારે ભૂ પૃષ્ઠ યંત્ર જમીનને અડકેલું અને કુર્મ પૃષ્ઠ શ્રી યંત્ર કાચબાની પીઠ જેવું ઉપસેલું હોય છે. શ્રી યંત્રની દેવી લલિતા ત્રિપુર સુંદરી કહેવાય છે. જેને માતા લક્ષ્મી અને સરસ્વતી ચામર ઢોળે છે. આથી એવું કહેવાય છે કે શ્રી યંત્રની પૂજા આરાધનાથી ધન, વૈભવ, યશ , કીર્તિ, એશ્વર્ય અને મોક્ષ સાથે સદબુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મી અને સરસ્વતીના સમન્વયથી લોકોના જીવનમાં સુખ શાંતિ આવે એવી ભાવનાથી શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે.
 
શાસ્ત્રોક્ત વિધિ સાથે આ શ્રી યંત્રનું નિર્માણ
આજથી ૧૨૦૦ વર્ષ પહેલાં શ્રુંગેરી મઠના શંકરાચાર્ય દ્વારા મઠમાં સુવર્ણનું શ્રી યંત્ર સ્થાપિત કરી તેની પૂજા કરવામાં આવી હતી. આથી દીપેશભાઈએ શ્રી યંત્રના નિર્માણમાં શ્રુંગેરી મઠના શંકરાચાર્યનું પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવી શાસ્ત્રોમાં વર્ણિત વિધિ વિધાન સાથે આ શ્રી યંત્ર નું નિર્માણ કાર્ય હાથ ધર્યું છે. જેમાં શ્રી શ્રી ભગવતી રાજ રાજેશ્વરી શ્રી વિદ્યામંદિર , હિમાચલ પ્રદેશના દંડી સ્વામી જય દેવાંગ મહારાજના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે. આદિ શંકરાચાર્યએ શ્રી વિદ્યામાં શ્રી યંત્ર વિશે જણાવેલું છે. તેમજ  "તંત્ર રાજ તંત્ર" પુસ્તકમાં પણ શ્રી યંત્રના નિર્માણની વિધિ દર્શાવેલી છે. જેનો અભ્યાસ કરી સંપૂર્ણ શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત વિધિ સાથે આ શ્રી યંત્રનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તો દીપેશભાઈએ પણ ચાર વર્ષ સુધી શ્રી વિદ્યાનો અભ્યાસ કરેલો છે અને તેની દીક્ષા લીધેલી છે.
 
ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સૌથી મોટું યંત્ર સ્થાપિત છે
જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ દ્વારા નિર્માણ થઈ રહેલું શ્રી યંત્ર વિશ્વનું સૌથી મોટું સાડા ચાર ફૂટનું શ્રી યંત્ર છે. જે તાંબુ, પિત્તળ, લોખંડ, સોનું અને ચાંદીએ પંચ ધાતુમાંથી બનાવવામાં આવશે. હાલમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ઉત્તરાખંડના ડોલાશ્રમમાં સ્થાપિત છે જે સાડા ત્રણ ફૂટનું છે. જ્યારે દીપેશભાઈ પટેલ અને જય ભોલે ગ્રુપના સભ્યો દ્વારા અંદાજીત એક કરોડના ખર્ચે  ચાર ફૂટની લંબાઈ પહોળાઇ અને ઊંચાઈ ધરાવતું તેમજ ૨૨૦૦ કિલો વજન ધરાવતું શ્રી યંત્ર બની રહ્યું છે. આ શ્રી યંત્ર અંબાજીમાં સ્થાપિત થતાં અંબાજી વિશ્વનું સૌથી મોટું અને મોંઘું શ્રી યંત્ર ધરાવતું મંદિર બનશે. જેથી માં અંબાના માઇ ભકતોને માં ના આશીર્વાદ સાથે શ્રી યંત્રની પોઝિટિવ ઉર્જા પણ મળશે અને ભક્તોના કષ્ટ, સંકટ દૂર થઈ ભક્તોની સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થશે. 
 
૨૫ જેટલા કારીગરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે
માં અંબાના અનન્ય ભકત દીપેશભાઈ પટેલને જ્યારે પૂછ્યું કે શ્રી યંત્ર નિર્માણનો વિચાર અને પ્રેરણા ક્યાંથી મળી ત્યારે એમણે જણાવ્યું કે મેં જ્યારે મારી ફેમિલી સાથે ઉત્તરાખંડના ડોલાશ્રમની મુલાકાત લીધી ત્યારે મેં અહીં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર જોયું. એ શ્રી યંત્રના દર્શન વખતે જ મને અંતઃ સ્ફુરણા થઈ અને આવું શ્રી યંત્ર અંબાજી ખાતે અંબેમાં ને ચડાવ્યું હોય તો ? એવો વિચાર આવ્યો હતો.  હું જ્યારે જોગુલંબા મંદિર, અમરાવતી, તેલંગાણા દર્શન કરવા માટે ગયો ત્યારે ત્યાં મેં પૌરાણિક શ્રી યંત્ર જોયું હતું.  ને મને આજ વિચાર આવ્યો હતો કે અંબાજી મંદિરમાં પણ આવું શ્રી યંત્ર હોય તો? મેં આ વાત મારા ગ્રુપના સભ્યોને કરી અને પછી માં અંબાના આશીર્વાદ અને કૃપાથી શ્રી યંત્રનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું. આ યંત્ર અમદાવાદ એન્જીનિયર્સ, વટવામાં આવેલી મારી ફેકટરીમાં જ બની રહ્યું છે. જેના નિર્માણમાં ૨૫ જેટલા કારીગરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. 
 
શ્રી યંત્રની દેવી લલિતા ત્રિપુર સુંદરી માતા છે
આ યંત્ર બનતાં બે મહિના જેટલો સમય લાગશે. નોંધનીય છે કે દીપેશભાઈ અને જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અગાઉ માં અંબાને સુવર્ણ ચરણ પાદુકા,  ચામર તેમજ નાનું શ્રી યંત્ર પણ અર્પણ કરવામાં આવેલ છે. સામાન્ય રીતે શ્રી યંત્ર અને લક્ષ્મી યંત્ર એક જ હોવાની માન્યતા શ્રધ્ધાળુઓ ધરાવે છે. પણ દીપેશભાઈમાં મત મુજબ શ્રી યંત્ર અને લક્ષ્મી યંત્રમાં તફાવત છે. શ્રી યંત્રની દેવી લલિતા ત્રિપુર સુંદરી માતા છે. આદિ શંકરાચાર્ય રચિત " શ્રી સૌંદર્ય લહેરી" ગ્રંથમાં લલિતા ત્રિપુર સુંદરી નું અદભુત અને વિસ્તૃત વર્ણન જોવા મળે છે. જેમને લક્ષ્મી અને સરસ્વતી બંને ચામર ઢોળે છે. એટલે શ્રી યંત્રમાં માતા  લક્ષ્મી અને માતા સરસ્વતી બંને દેવીનો સમન્વય અને વાસ છે. જ્યારે લક્ષ્મી યંત્રએ માં લક્ષ્મીનું યંત્ર છે. શક્તિપીઠ અંબાજીમાં ભોંયરામાં લલિતા ત્રિપુર સુંદરી માતાનું મંદિર પણ આવેલું છે.
 
એકાદ મહિનાનો સમય અને ૧૧ હજાર કિમીની યાત્રા
દીપેશભાઈ અને તેમના ગ્રુપ જય ભોલે દ્વારા ૨૦ એપ્રિલ ૨૦૨૩ના રોજ ચારધામ યાત્રાનો પાલનપુરથી શુભારંભ કરવામાં આવશે. એમની યાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય અને માં અંબાના ઐશ્વર્યમાં અભિવૃદ્ધિ કરનાર શ્રી યંત્રનો તેમનો મનોરથ સિદ્ધ થાય એવી શુભેચ્છા સાથે જિલ્લા કલેક્ટર શ્રી વરુણ બરનવાલ આ યાત્રાને  પ્રસ્થાન કરાવનાર છે. દ્વારકા, બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ, તિરુપતિ બાલાજી તથા કોલ્હાપુર મહાલક્ષ્મી માતાની ચારધામની આ યાત્રા દરમિયાન એકાદ મહિના જેટલો સમય લાગશે અને ૧૧ હજાર કિ.મિ. ની મુસાફરી થશે.