શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 મે 2017 (15:36 IST)

અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સના ઝૂલાસણ ગામમાં હિન્દુઓ મુસ્લિમ મહિલાની પુજા કરે છે

ગુજરાતમાં અવકાશ યાત્રી સનીતા વિલિયમ્સના ગામમાં મંદિરમાં હિંદુઓ મુસ્લિમ દેવીની પૂજા કરે છે. અમદાવાદથી 40 કિલોમીટર દૂર આવેલા ‘ઝૂલાસણ’ નામનું ગામ આવેલું છે. આ ગામમાં એક ડોલા માતાનું મંદિર છે. જેમાં એક મુસ્લિમ મહિલાની પુજા કરવામાં આવે છે. ખુબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે મોટી સંખ્યામાં હિંદુ ભક્તો આ મુસ્લિમ દેવીના આશિર્વાદ લેવા માટે આવે છે.

આ મંદિરને લઈને એવી વાયકા છે કે 250 વર્ષ પહેલા એક ડોલા નામની બહાદુર મુસ્લિમ મહિલા હતી. એક વખત ગામ પર ડાકુઓનો હુમલો થયો તો આ મહિલાએ બહાદુરીથી તેમનો સામનો કર્યો અને ગ્રામજનોની રક્ષા કરી હતી. તેમની સામે લડતા લડતા મુસ્લિમ મહિલાએ પોતાનો જીવ આપી દીધો હતો. આ મહિલાની યાદમાં ગ્રામજનોએ અહીં એક મંદિરનું નિર્માણ કરાવ્યું છે. ત્યાર બાદ અહીં ડોલા માતાની પૂજા કરવામાં આવી રહી છે. જોકે આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી પરંતુ એક પથ્થરનું યંત્ર છે. જેની ઉપર સાડી ચઢાવીને પૂજા કરવામાં આવે છે. એવી પણ આસ્થા છે કે ડોલામાતાની માનતા રાખવાથી તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. આ ઉપરાંત ઝૂલાસણ ગામની એક મોટી ઓળખ એ પણ છે કે અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સના પિતાજીના પૂર્વજોનું આ ગામ છે. જ્યારે સુનીતા વિલિયમ્સ અંતરિક્ષ યાત્રા પર ગઈ હતી ત્યારે તેની યાત્રા પરથી સુકુશળ પરત ફરે તે માટે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. આ મંદિર ‘ડોલર માતા’ તરીકે પણ જાણીતું છે કારણ કે 7 હજારની વસ્તીમાંથી 1500 લોકો અમેરિકામાં સેટલ્ થયા છે. એટલા માટે અમેરિકા જવા ઈચ્છતા લોકોને વિઝા જલદી મળી અમેરિકા પહોંચે તે માટે અહીં પ્રાર્થના કરી માનતા રાખે છે.