શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 10 જુલાઈ 2024 (19:03 IST)

આંગડિયા પેઢીના કર્મીઓની આંખમાં મરચું નાંખ્યું, 65 લાખ રૂપિયા લૂંટી લૂંટારા ફરાર

શહેરમાં ધાડ અને લૂંટના બનાવો સતત વધી રહ્યાં છે. પોલીસનું સઘન પેટ્રોલિગ હોવા છતાં લૂંટારા બેફામ બનીને લૂંટ ચલાવી રહ્યાં છે. શહેરમાં આંગડિયા પેઢીના કર્મીઓને લૂંટી લેવાની પણ અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ફરીવાર શહેરમાં આંગડિયા પેઢી સાથે લૂંટનો બનાવ બન્યો છે. રિક્ષામાં બેઠેલા આંગડિયા કર્મીઓની આંખમાં મરચાનો પાવડર નાંખીને લૂંટારાઓએ 65 લાખની લૂંટ ચલાવી છે. આ ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે. ખુદ ઝોન-7 DCP શુભમ પરમારે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. 
 
આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં મરચુ નાંખ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં આર કાંતિલાલ આંગડિયા પેઢીના બે માણસો પ્રજાપતિ બાબુભાઈ અને પટેલ મનોજભાઈ  જમાલપુર એપીએમસીથી 65 લાખ રૂપિયા રિક્ષામાં લઈને પોતાની ઓફિસ આર કાંતિલાલ આંગડિયા ખાતે જતા હતા. જ્યાં અચાનક જલારામ મંદિરથી આગળ જીમખાનાની સામે બાઈક ઉપર બે શખ્સો આવ્યા હતાં. તેમણે રિક્ષા ઉભી રખાવી હતી અને આંગડિયા પેઢીના બંને માણસોની આંખમાં મરચાનો પાવડર નાંખ્યો હતો. ત્યાર બાદ છરી અને એરગનથી બંને માણસોને લોહી લુહાણ કરી 65 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતાં. 
 
બંને માણસોને છરી અને એરગનથી ઈજા પહોંચાડવામાં આવી
આંગડિયા પેઢીના માલિક અશોકભાઈ પટેલે કહ્યું હતું કે અમારા બંને માણસોને છરી અને એરગનથી ઈજા પહોંચાડવામાં આવી છે અને તેમને સારવાર માટે હાલ એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે. ઝોન-7 DCP શુભમ પરમાર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને તેમણે લૂંટારાઓને પકડી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી દીધી છે.