શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 એપ્રિલ 2022 (11:18 IST)

40 વર્ષે ઘરે પુત્રીનો જન્મ થયો, સુરતી પરિવારે આ રીતે મનાવી ભવ્યતાતિભવ્ય ખુશી

જ્યાં લોકો પુત્રીનો જન્મ થતાં તરછોડી દે છે, ત્યારે આ ગુજરાતીના ઘરે 40 વર્ષે પુત્રીનો જન્મ થતાં કરી અનોખી રીતે ઉજવણી, સમાજને આપ્યો સંદેશ
 
ગુજરાતના સુરત શહેરના એક હીરાના વેપારીએ દીકરીના જન્મની ભવ્ય અને અનોખી રીતે ઉજવણી કરીને સમાજને સારો સંદેશ આપ્યો છે. ઉદ્યોગપતિ પરિવાર ઘરે જન્મેલી નવજાત દીકરીને ગુલાબી રંગની બસમાં લઈને શહેરની મુલાકાતે લઈ ગયો હતો. પરિવારની વાત માનીએ તો તેમના ઘરે 40 વર્ષ બાદ પહેલીવાર બાળકીનો જન્મ થયો છે.
 
શહેરના જાણીતા હીરાના વેપારી અને સામાજિક કાર્યકર ગોવિંદ ધોળકિયાના એકના એક પુત્ર શ્રેયાંસ ધોળકિયાને પહેલાથી જ બે પુત્રો હતા, પરંતુ તેઓ ઘરે પુત્રીના જન્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આખરે એ ઘડી આવી અને શ્રેયાંસની પત્નીએ દીકરીને જન્મ આપ્યો. દીકરીના જન્મ પછી ગદગદ પરિવારે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જે અંતર્ગત તેમની બસને સફેદ રંગની ગુલાબી રંગથી રંગવામાં આવી હતી અને ત્યારપછી પરિવાર દીકરી સાથે બસમાં બેસીને શહેરના પ્રવાસ માટે રવાના થયો હતો.
 
સુરત શહેરના માર્ગો પર ફરતી આ ગુલાબી બસ પર અંગ્રેજીમાં It's a girl પણ લખવામાં આવ્યું હતું અને પ્રતિકાત્મક પુત્રીની તસવીર પણ બનાવવામાં આવી હતી. સુરત શહેરના અનેક વિસ્તારોના માર્ગો પર ફરતી આ બસમાં દીકરીનું અનોખી રીતે પ્રવાસ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
 
નવજાત શિશુના પિતા શ્રેયાંસ ધોળકિયાએ જણાવ્યું હતું કે, "પરિવારે આ આનંદને લોકો સુધી પહોંચાડવા, દીકરીના જન્મની ઉજવણી કરવા તેમજ 'બેટી બચાવો બેટી પઢાવો'નો સંદેશ ફેલાવવા માટે ખાનગી વેનિટી વાનને એક જ દિવસમાં સફેદમાંથી ગુલાબી કરી દીધી હતી અને સુરતના રસ્તાઓ પર લક્ઝરી બસ ફેરવવામાં આવી હતી. 
 
ઉદ્યોગપતિ પરિવારે જણાવ્યું કે આજે ચાર દાયકા બાદ તેમના ઘરે દીકરીનો જન્મ થયો છે, જેની ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. આજના સમાજમાં દીકરીના ઉછેરની વાતો તો ઘણી થાય છે પરંતુ દીકરીના જન્મથી પણ લોકો નિરાશ થઈ રહ્યા છે. તેથી જ આ અનોખા સંદેશ દ્વારા તેમણે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો અને દીકરીના જન્મને પણ પ્રોત્સાહન આપ્યું.
 
તમને જણાવી દઈએ કે 2008થી સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા એવા પરિવારો માટે ભાગ્ય લક્ષ્મી સ્કીમ ચલાવે છે, જ્યાં ચારથી વધુ દીકરીઓ છે. ધોળકિયા પરિવાર દ્વારા અત્યાર સુધીમાં આવા 25 પરિવારોને દર વર્ષે 11000 રૂપિયાની વાર્ષિક આર્થિક સહાય આપવામાં આવી રહી છે. 1992 થી આ પરિવાર દીકરીઓના શિક્ષણ માટે શાળા ચલાવે છે, જેમાં અત્યાર સુધીમાં 6240 દીકરીઓને મફત શિક્ષણ મળ્યું છે. આટલું જ નહીં ગોવિંદ ધોળકિયાએ 500થી વધુ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી ચૂક્યા છે.
 
હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા સમાજ સેવા ઉપરાંત ધાર્મિક કાર્યમાં પણ વ્યસ્ત છે. તેમણે અયોધ્યામાં બંધાઈ રહેલા ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણ કાર્ય માટે રૂ. 11 કરોડનું દાન આપ્યું હતું અને હાલમાં તેઓ દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગમાં 311 હનુમાનજી મંદિરોનો જીર્ણોદ્ધાર કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ અનેક સામાજિક અને ધાર્મિક કાર્યોમાં જોડાયેલા છે અને જ્યારે તેમના ઘરે 40 વર્ષ બાદ બાળકીનો જન્મ થયો ત્યારે તેમની ખુશી કંઈક અલગ જ રીતે દર્શાવવામાં આવી હતી.