ગુજરાતમાં પેટાચૂંટણી : અલ્પેશ ઠાકોરને ભાજપે રાધનપુરથી ટિકિટ આપી
ભારતીય જનતા પક્ષે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે 6 ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી છે. ભાજપે કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી ટિકિટ આપી છે પરંતુ તેમની સામે કોણ હશે તેની જાહેરાત કૉંગ્રેસે નથી કરી.
આ ઉપરાંત ભાજપે થરાદ બેઠક પરથી જીવરાજ પટેલ, ખેરાલુ બેઠક પરથી અજમલ ઠાકોર, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, અમરાઈવાડી બેઠક પરથી જગદીશ પટેલ અને લુણાવાડા બેઠક પરથી જિજ્ઞેશ સેવકને મેદાનમાં ઉતાર્યા છે.
આ પહેલાં ભાજપે 17 રાજ્યોની 64 વિધાનસભાની બેઠકો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાનારી પેટાચૂંટણી માટે 32 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.
રવિવારે કૉંગ્રેસે પણ ગુજરાતની પેટાચૂંટણી માટે પોતાના ચાર ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે પરંતુ અલ્પેશ ઠાકોર સામે રાધનપુર બેઠક અને અજમલભાઈ ઠાકોર સામે ખેરાલુની બેઠક માટે કોઈ ઉમેદવાર જાહેર કરાયા નથી.