રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 એપ્રિલ 2021 (08:59 IST)

ભારતમાં સૌથી વધુ રેમડેસિવિર ઈંજેક્શનની વ્યવસ્થા કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું: વિજય રૂપાણી

સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન  સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેને ધ્યાને રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યભરમાં અસરકારક આયોજન કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણને નાથવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સર્વગ્રાહી સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
 
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે કોરોના સંક્રમણ અટકાવવા પાટણ જિલ્લામાં દરરોજના ૫૦૦૦ કોરોનાના ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત, જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ આવ્યા છે ત્યાં કન્ટેઈન્ટમેન્ટ ઝોન વધારવામાં આવશે તથા કન્ટેઈન્ટમેન્ટ ઝોનનું કડક પાલન થાય એવી સૂચનાઓ પણ સબંધિતોને આપવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકારી હોસ્પિટલોમાં રેમડેસિવિર ઈંજેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
 
મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં તા.૧ થી ૧૦ એપ્રિલ સુધીમાં ૧,૮૦,૦૦૦ રેમડેસિવિર ઈંજેક્શન ફાર્માસિસ્ટોને સરકારે સપ્લાય કર્યો છે અને ૧,૦૫,૦૦૦ રેમડેસિવિર ઈંજેક્શનનું રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલો મારફત વિતરણ કર્યું છે. માત્ર દસ દિવસમાં લગભગ ૨.૮૦ લાખથી વધુ રેમડેસિવિર ઈંજેક્શનનો જથ્થો રાજ્ય સરકારે પૂરો પાડ્યો છે. આજથી અમદાવાદમાં કેડિલા કંપની દ્વારા રેમડેસિવિર ઈંજેક્શનનું પુન:વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
 
તેમણે કહ્યું કે, અમદાવાદમાં ૫૦,૦૦૦ થી વધુ જ્યારે રાજકોટ, વડોદરા અને સુરતમાં ૨૫-૨૫ હજાર રેમડેસિવિર ઈંજેક્શનની વ્યવસ્થા કરી છે અને તેની વધુ જરૂરિયાતને પહોચી વળવા ૩ લાખ રેમડેસિવિર ઈંજેક્શનનો રાજ્ય સરકારે ઓર્ડર આપ્યો છે. આજે ભારતમાં સૌથી વધુ રેમડેસિવિર ઈંજેક્શનની વ્યવસ્થા કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. 
 
મુખ્યમંત્રીએ જણાવ્યું કે જે લોકોને ઈંજેક્શનની જરૂરિયાત હોય તે લોકો જ રેમડેસિવિર ઈંજેક્શન ખરીદે જેથી કારણ વગરની તંગી ઉભી ન થાય તેની આપણે સૌ તકેદારી રાખીએ. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરતા જણાવ્યું કે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કામ વગર ઘરની બહાર ન નિકળીએ, માસ્ક પહેરિએ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન અવશ્ય કરીએ. 
 
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોનાની આ બીજી લહેર સમગ્ર ભારતમાં ઉંચા આંક સાથે વધી રહી છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. આ સંક્રમણને કાબૂમાં લેવા રાજ્ય સરકારે અસરકારક પગલાં લીધા છે. મુખ્યમંત્રીએ કોરોના સંદર્ભે ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મુકતા સ્પષ્ટ કહ્યુ કે, પાટણ જિલ્લામાં કોરોનાના ટેસ્ટિંગ માટે નવું મશિન આપવામાં આવ્યું છે. જેનાથી હવે આર.ટી.પી.સી.આર ટેસ્ટનો રિપોર્ટ માત્ર છ કલાકમાં મળી જશે.
 
તેમણે ઉમેર્યુ કે પાટણ સહિત સમગ્ર રાજ્યમાં ઓક્સિજન, રેમડેસિવિર ઇંજેક્શન અને પૂરતા પ્રમાણમાં બેડ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને તેના માટે યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા દસ દિવસમાં રાજ્યભરમાં રાજય સરકારે પંદર હજાર નવા બેડ ઉભા કરી લોકોને સારવાર મળે તેની વ્યવસ્થાઓ કરી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓને સારવાર મળી રહે એ માટે રાજ્ય સરકારે સબંધિતોને આદેશો કરી દીધા છે. કોવિડ હેલ્થ સેન્ટરમાં સંક્રમિતોને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ રાજ્યભરમાં ઉભી કરાઈ છે.
 
મુખ્યમંત્રીએ કહ્યું કે જે લોકો ઘરે રહી હોમ આઈસલેશનમાં સારવાર લઈ રહ્યા છે તેમને ઘેર  બેઠા રાજ્ય સરકાર દ્વારા દવાઓ અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ પાટણની સેવાભાવી સંસ્થાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે જિલ્લાની વિવિધ સેવાભાવી સંસ્થાઓએ કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર શરૂ કરી ખૂબ સારી વ્યવસ્થા કરી છે. 
મુખ્યમંત્રીએ પાટણ જિલ્લામાં કોરોનાના દર્દીઓને સત્વરે સારવાર માટે નવા ૫૦૦ બેડની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી હતી.