ગુરુવાર, 24 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 10 જુલાઈ 2014 (15:45 IST)

વરસાદ ખેંચાતા જળાશયો થયા ખાલીખમ્મ

ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના લીધે ખેડૂતોની સાથે તમામ વર્ગના લોકોના જીવ તાળવે ચોંટ્યા છે, અબોલ જીવો માટે પાણી અને ચારાની પણ વિકટ સમસ્યા સર્જાઇ છે ત્યારે સૌરાષ્ટ્રમાં ૧૩૭ જેટલા જળાશયોના તળિયા દેખાવા માંડ્યા છે. ૧૩૭ જળાશયોમાં માત્ર પંદર ટકા જેટલો જ પાણીનો જથ્થો હોવાથી આગામી દિવસોમાં વહેલી તકે મેઘમહેર ન થાય તો પાણીની કપરી તંગી પડે અને લોકોને તરસ્યા મરવું પડે તીવી ભીતિ સર્જાઇ છે. આ સ્થિતિમાં લોકો પ્રભુ શરણે જઇ મેઘમહેર માટે ઠેર ઠેર પ્રાર્થના-દુઆઓ કરવા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરી રહ્યા છે. હોમ-હવન,યજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમોની સૌરાષ્ટ્રમાં ઠેકઠેકાણે વણઝાર લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

વરસાદ ખેંચાવા સાથે સર્જાયેલી સ્થિતિ અંગે મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મહત્ત્વના જળાશય સમાન આજી ૧ અને ૨ દોઢ-બે મહિનામાં ડૂકી જશે એમ સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. નોંધનીય છેકે હાલ સૌરાષ્ટ્રભરના જળાશયો અને કેનાલમાંથી સિંચાઇ માટેના પાણી સ્થગિત કરી દેવાયા છે. માત્ર રોજિંદી જરૂરિયાત પૂરતો જ લોકોને પુરવઠો પ્રાપ્ત છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્યત્વે ૧૩૭ ડેમોમાં હાલ માત્ર ૧૫ ટકા પાણીનો જથ્થો બચ્યો છે. જેમાંથી કેટલાક ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે.

જોકે આ સ્થિતિમાં થોડી રાહત આપે તેવી બાબત એ છેકે, મોજ, વેણુ, ભાદર, આજી-૩, મચ્છુ ૧-૨, ડેમમાં ડિસેમ્બર માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો હયાત છે. આગામી દિવસોમાં જો વહેલી તકે વરસાદ ન વરસે તો પીવાના પાણીની સૌરાષ્ટ્રભરમાં કટોકટી સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. જોકે આ માહિતી મળી રહી છે ત્યારે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોવાના વાવડ મળી રહ્યા હતા. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જામ્યું હોવાથી ગણતરીના દિવસોમાં જ સૌરાષ્ટ્રની ધરા સહિત ગુજરાતમાં મેઘમહેર થવાની આશા જીવંત બની હતી.