આ બજેટ ઠંડી રાહતો આપશે-નાણા પ્રધાન
નવી દિલ્હી(વેબદુનિયા) નાણામંત્રી ચાલુ સરકારમાં સૌપ્રથમ વખત આ વર્ષે 28 ને બદલે 29 ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરશે. કારણ કે આ લીપ યર હોવાથી ફેબ્રુઆરીમાં એક દિવસ વધારાનો આવે છે. આગામી ચૂંટણીઓ અગાઉ સરકારનું આ છેલ્લું બજેટ હોવાથી બધાને આશાઓ છે કે, તેમાં નાણામંત્રી અનેક ગુલાબી રાહતો આપવા પ્રયત્ન કરશે. તેમાં મધ્યમ વર્ગ આશા સેવી રહ્યો છે કે, કાર-સ્કુટર જેવી તેની જરૃરિયાતની ચીજો સસ્તી થાય. સરકારે સમજણપૂર્વક બજેટ અગાઉ જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દીધા છે. જેથી બજેટમાં તેનો કડવો સ્વાદ ન આવે.બજેટના દિવસો આવતાં જ પરંપરાનુસાર નાણામંત્રી સર્વત્ર ચર્ચામાં આવી જાય છે, પરંતુ આ વખતે યુપીએ તરફથી લોકોને ગમી જાય તેવું બજેટ આપવાની ફરજ પાડવામાં આવી હોવાથી નાણામંત્રી વધુ ચર્ચામાં છે. જોકે છેલ્લાં બે વર્ષમાં કરની આવકમાં જે ઉછાળ નોંધાયો છે તે જોતાં નાણામંત્રી માટે પરિસ્થિતિ સાનુકૂળ છે. એટલી સાનુકૂળ પરિસ્થિતિ તો તાજેતરના ઈતિહાસમાં કોઈ નાણામંત્રીને જોવા મળી નથી. કરની આવકમાં પ્રથમ નવ મહિનામાં જ 40 ટકાનો ઉછાળ આવ્યો છે, એટલે નાણામંત્રી દેશના નાગરિકોને કરવધારાની કડવી ગોળી નહીં આપીને ખુશ કરી શકશે.આ બજેટમાં ખેડૂતો માટે મોટી કરરાહતોની યોજના જાહેર થવા સંભાવના છે. આરોગ્ય અને શિક્ષણ માટે પણ આકર્ષક કર રાહતો જાહેર કરાશે તેમ અંતરંગ વર્તુળો ઈશારો કરી રહ્યા છે. વ્યક્તિગત કરદાતા અને કંપનીઓ બંનેને ક્યાં તો કરપાત્ર થવાની તળિયાની રકમમાં વધારો કરીને અથવા તો કરરાહત મેળવવા કરાતી બચતોની મર્યાદામાં વધારો કરીને આ રાહતો અપાય તેવી વકી છે. કંપનીઓ માટે સરચાર્જમાં દસ ટકાનો કાપ પણ અપેક્ષિત છે. ખાતર, બળતણ અને ખોરાક ઉપરની સબસિડીઓ વધારીને આમ આદમીને મઝાની રાહત પહોંચાડવાનો પ્રયાસ પણ થઈ શકે. નાણામંત્રી કરોડો નાગરિકોને ખુશ કરવા માટે હોમ લોનની કિંમતોમાં નાનો સરખોય કાપ જરૃર મૂકશે તેમ ધારણા છે. સરવાળે આ બજેટ સહુને આનંદ આપનાર બનાવવા તનતોડ મહેનત થઈ રહી છે.