સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (11:59 IST)

ઈન્ડોનેશિયા ખાતે એશિયન ગેમ્સમાં ડાંગની સરિતા ગાયકવાડે ગોલ્ડ મેડલ જીત્યો

ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં સરિતા ગાયકવાડે 400 મીટર રીલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવી દેશ અને ગુજરાત સહિત ડાંગનું ગૌરવ વધાર્યું છે. તેની આ જીતથી પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. શારદા ફાઉન્ડેશનના ચેરમેન દર્શન દેસાઈએ જણાવ્યું હતું કે, સરિતા ધોરણ 12 પાસ કરી જ્યારે પહેલીવાર ચીખલીની એમઆર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આવી હતી ત્યારે બસ એક જ વાત કરતી હતી કે, મારી પાસે શૂઝ નથી અને જમવાની પણ તકલીફ પડે છે. જેથી શારદા ફાઉન્ડેશને સરિતાને દતક લઈ તેનો તમામ ખર્ચ ઉપાડી લીધો હતો.

પિતા ખેત મજૂર અને એક નાની બહેન ઘરકામ મદદરૂપ બનતી આ પરિવારની દીકરી સરિતાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને સમાજની સાથે સાથે જોડાયેલા તમામનું નામ રોશન કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોલેજમાં પ્રવેશ બાદ સરિતાએ યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ વર્ષમાં જ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેથી તે સ્ટેટ લેવલે સિલેક્ટ થઈ હતી. ત્યારબાદ કર્ણાટકમાં ઓલ ઈન્ડિયા વિમેન્સ એથ્લેટિક્સમાં બીજા ક્રમે આવી હતી. જેથી સરિતાનું નેશનલ એથ્લેટિક એકેડમી લુધિયાણા-પંજાબમાં એડમિશન થયું હતું. અને નેશનલ પ્લેયર બની હતી. ત્યારબાદ સરિતાએ ઓલ્મ્પિકની તૈયારી શરૂ કરી દીધી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં નેશનલ લેવલે ત્રણ મેડલ જીત્યા છે.