શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By હેતલ કર્નલ|
Last Modified: મંગળવાર, 31 જાન્યુઆરી 2023 (11:27 IST)

ઓનલાઈન પેમેન્ટ માટે ક્યુઆર કોડનો ઉપયોગ કરો છો? તો ભૂલથી પણ ન કરતા આ ભૂલ

QR Code
ઓનલાઈન પેમેન્ટ માટે ક્યુઆર કોડનું સ્કેનિંગ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો વિકલ્પ છે. ક્યુઆર કોડ સ્કેન કરીને અમુક સેકન્ડોમાં પેમેન્ટ અને પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. જો કે ક્યુઆર કોડનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. કેમ કે તેનાથી સાયબર અપરાધીઓ ઠગાઈ કરી શકે છે. 
 
સાયબર અપરાધીઓ કેવી રીતે ઠગાઈ કરે છે?
સાયબર અપરાધીઓ ઘણી વાર દુકાનદારની નજર ચૂકવીને દુકાનની બહાર પોતાનાં ક્યુઆર કોડ લગાવી દે છે. એવામાં ગ્રાહકો અજાણતા જ ખોટી જગ્યાએ પેમેન્ટ કરી દે છે. ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે તમે જ્યારે ક્યુઆર કોડ સ્કેન કરો છો, ત્યારે તમારા ખાતાની માહિતી લીક થઈ જાય છે, જેનાથી તમારું એકાઉન્ટ સેકન્ડોમાં ખાલી થઈ શકે છે.
 
ક્યુઆર કોડ સ્કેન કરતાં શું ધ્યાન રાખશો?
ક્યુઆર કોડ સ્કેન કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. દુકાનમાં ક્યુઆર કોડથી પેમેન્ટ કરતી વખતે પહેલાં દુકાનદારને સાચા ક્યુઆર કોડ અંગે પૂછી લેવું જરૂરી છે. ક્યુઆર કોડ સ્કેન કર્યા બાદ તમારી સ્ક્રીન પર દેખાતી માહિતીની ખરાઈ દુકાનદાર પાસેથી કરી લો. દૂર બેઠેલા અને અજાણ્યા વ્યક્તિને પેમેન્ટ માટે ક્યુઆર કોડ સ્કેન કરવાનો વિકલ્પ બને ત્યાં સુધી ન અપનાવશો. કેમ કે સાયબર અપરાધીઓ આ ક્યુઆર કોડની મદદથી તમારું  બેન્ક એકાઉન્ટ ખાલી કરી શકે છે. આ પ્રકારનાં અપરાધનાં કિસ્સા વધી રહ્યા છે. ઓનલાઈન મળતી કોઈ પણ ઓફરની લાલચમાં ક્યુઆર કોડને સ્કેન કરતા બચો. 
 
પેમેન્ટ મેળવવા ક્યુઆર કોડ સ્કેનિંગની જરૂર નથી
જો તમારે કોઈ વ્યક્તિ પાસેથી પેમેન્ટ મેળવવાનું હોય, તો તેના માટે કોઈ ક્યુઆર કોડ સ્કેન કરવાની જરૂર નથી. ઓનલાઈન પેમેન્ટ કરનાર વ્યક્તિ તમને કોઈ ક્યુઆર કોડ સ્કેન કરવાનું કહે તો ચેતી જજો. 
 
એપ ડાઉનલોડ કરતાં ચેતજો
ક્યુઆર કોડ થકી પેમેન્ટ કરવા તમારે કોઈ એપને ડાઉનલોડ કરવાની જરૂર નથી. મોટાભાગનાં સ્માર્ટફોનમાં કેમેરા એપ્લિકેશનમાં જ બિલ્ટ ઈન સ્કેનર આવતાં હોય છે. જો તમને કોઈ ક્યુઆર કોડ કોઈ એપને ડાઉનલોડ કરવા તરફ દોરી જાય તો ચેતી જજો. તમારા OTP ક્યારેય અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરશો.