રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (14:03 IST)

ઊર્જા વિભાગમાં પણ ભરતી કૌભાંડ:એક જ ગામના 18 લોકોને નોકરી આપી દેવાઈ, 1 પેપરના 21 લાખ લેવામાં આવે છેઃ યુવરાજસિંહનો આક્ષેપ

ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કાંડ બહાર લાવનારા આપ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ દ્વારા વધુ એક મોટો ધડાકો કરીને કથિત આક્ષેપ કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગની થયેલી ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ દ્વારા આજે મંગળવારે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે. તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ 5 વિભાગોમાં ગેરરીતી થઈ છે. યુવરાજસિંહના આ ધડાકાથી સરકાર પર ફરી પાછા માછલા ધોવાઈ રહ્યા છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે, "અમારી ટીમને કોઈ જાતિ, જ્ઞાતિ, વ્યવસાય કે અધિકારીઓ પ્રત્યે કોઈ રાગદ્વેષ નથી. અમે ફક્તને ફક્ત વિદ્યાર્થીઓના હિતમાં રાખીને અમે રજૂઆત કરીએ છીએ."છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે, તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કરીને તેમણે ખળભળાટ મચાવી દીધો છે. જેની ક્ષતિઓ બહાર લાવવાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે આજે રાજ્યમાં જે પરીક્ષા ચાલી રહી છે, તેમાં પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. છેલ્લાં 3 વર્ષમાં ઉર્જા વિભાગની ભરતીમાં મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યાં છે. અત્યારે અલગ અલગ કેન્દ્રો પર ભરતી ચાલી રહી છે. વધુમાં યુવરાજસિંહે ઉમેર્યું હતું કે, GETCOની ભરતીમાં આર્થિક લાભથી કૌભાંડ આચરાયું હોવાનો આરોપ લગાવ્યો છે. જેનું એપી સેન્ટર અરવલ્લી અને બાયડ છે. GETCOની ભરતીમાં એક જ ગામના 18 પરિક્ષાર્થીઓને નિમણૂંક આપી હોવાનો ખુલાસો કર્યો છે. GETCOની ભરતીમાં એક જ ગામના 18 પરિક્ષાર્થીઓને નિમણૂંક આપવી તે ક્યારેય શક્ય નથી. આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે, ત્યારે ઓનલાઈન પરીક્ષામાં પણ કૌભાંડ ચાલી રહ્યું છે. તેમણે આક્ષેપો કર્યા હતા કે વર્ષ 2021માં લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને એક સરખા માર્ક્સ અપાયા છે. જેમાં વચેટિયાઓ અવધેશ પટેલ, ધનસુરાના શિક્ષક અરવિંદ પટેલ, શ્રીકાંત શર્મા (વડોદરા)ની સંડોવણી હોવાનું જણાવ્યું છે. એજન્સીના મળતીયાઓ સાથે સંપર્ક રાખીને આ લોકો કૌભાંડ કરી રહ્યા છે. અજય પટેલ બાયડમાં ક્લાસીસ ચલાવે છે. જ્યારે હર્ષ નાઈ શિક્ષક છે. યુવરાજસિંહે પરીક્ષામાં લાભ લેનારા વિદ્યાર્થીઓના નામ જણાવ્યા હતા. જેમાં ધવલ પટેલ, કુશનગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયમ પટેલ, આંચલ પટેલ, રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, બાબુભાઇ પટેલ, જીગીશા પટેલના નામનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય યુવરાજે GETCOની ચાલુ પરીક્ષામાં મિતુલ પટેલ પ્રાંતિજમાં હોવાનું જણાવ્યું હતું. જેની કારનો નંબર Gj09AG0393 છે. મિતુલ પટેલ પ્રાંતિજનો રહેવાસી છે. આ સરકારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા નથી, પરંતુ કન્ટ્રોલ રૂમમાંથી પરીક્ષા અપાઈ રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે NSCITની પરીક્ષા ઓનલાઈન લેવાય છે, જે મહારાષ્ટ્રની કંપની છે. જેમાં પટેલ, ચૌધરી પટેલ અને પ્રજાપતિ સમુદાય જોવા મળશે. એક જ ગામના 18 લોકોને નોકરી કેવી રીતે મળી તે મોટો સવાલ હોવાનું જણાવ્યું હતું. અત્યારે ચાલી રહેલી પરીક્ષામાં પણ પૈસા અપાઈ ગયા છે. જેમાં 1 પેપરના 21 લાખ લેવામાં આવ્યા છે. આ કૌભાંડમાં સિલેક્ટ થયા બાદ પૈસા ઉમેદવારો પાસેથી વસુલાય છે. ખાલી એડવાન્સમાં 1 કે 2 લાખ રૂપિયા આપવાના હોય છે. આ પરીક્ષા 3 શિફ્ટમાં લેવાય છે. જેમાં NSCITના અધિકારીઓ અને GUVNL વડોદરાના અધિકારીઓ સંપર્કમાં હોવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજે જણાવ્યું હતું કે મને સમગ્ર માહિતી વિદ્યાર્થીઓ પાસેથી મળી છે. જેના તમામ આધાર પુરાવા તેમની પાસે હોવાનું જણાવ્યું છે. યુવરાજસિંહ જાડેજાએ ઉર્જાવિભાગમાં જે ભરતીઓમાં કૌભાંડ થયા છે, તેના વિશે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને એક્શન લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી રહ્યું છે. હેડ ક્લાર્કમાં પણ તપાસને દબાવવામાં આવી રહી છે. તેમણે ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં મુદ્દા ઉઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "હું વિદ્યાર્થી નેતા તરીકે મુદ્દા ઉઠાવું છું. હું કોઈ પણ રાજકીય રંગ આપવા માંગતો નથી. આ મુદ્દે કોઈ રાજકીય રોટલા ન શેકવા પક્ષોને અપીલ પણ છે. પેપરલીકનો મુદ્દો લિકરકાંડમાં ફેરવાઈ ગયો છે."