મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રથયાત્રા
Written By
Last Modified: મંગળવાર, 28 જૂન 2022 (13:03 IST)

શુ આપ જાણો છો રથયાત્રામાં મગ અને કાકડીનો પ્રસાદ જ શા માટે આપવામાં આવે છે ?

prasad in rathyatra
રથયાત્રાનાં દર્શન કરવા આવતા ભાવિકજનોને પ્રસાદરૃપે ફણગાવેલા મગ અને કાકડી વહેંચવામાં આવે છે. ભક્તજનો ‘જય રણછોડ, માખણચોર’ના નારા પોકારતા ભાવપૂર્વક પ્રસાદ આરોગે છે. પણ કદી તમે વિચાર્યું છે કે આવા મોટા પ્રસંગે મીઠાઈ અને પકવાનને બદલે તેની સરખામણીમાં સાદો કહેવાય તેવો મગ અને કાકડીનો પ્રસાદ શા માટે આપવામાં આવે છે? તેનું કારણ છે કે રથયાત્રા એક લોકોત્સવ છે. લોકો યાત્રામાં સામેલ થાય છે, શ્રદ્ધાપૂર્વક રથ હાંકે છે. રથયાત્રા દરમિયાન ઘણું ચાલવાનું હોય છે. ચાલવા માટે ઘણી એનર્જીની જરૂર પડે છે, જેના માટે મગ એકદમ ફિટ પ્રસાદ છે. તે ચાલનારના પગને જોમ બક્ષે છે.
 
મર્હિષ ચરકે તેમના ગ્રંથમાં દસ-દસ વનસ્પતિના ૫૦ વર્ગ પાડયા છે. તેમાં સૌથી પહેલો વર્ગ છે જીવનીય વર્ગ. તે વર્ગની દસેય વનસ્પતિઓ જીવનને ટકાવી રાખનારી ગણાવાઈ છે, અને તેમાં તેમણે મગને પણ સમાવ્યા છે.
દવાખાનામાં બિછાનામાં પડેલા દર્દીને ડોક્ટર મગનું પાણી લેવાની છૂટ આપતા હોય છે. મગનું ઓસામણ કેટલેક અંશે દૂધની ગરજ સારે છે. વળી મગનું ઓસામણ બીમાર વ્યક્તિઓ માટે પથ્ય ખોરાક છે. અન્ય કઠોળ પેટ માટે વાયડા છે, જ્યારે મગ ખૂબ જ ગુણકારી છે. દુર્બળ અને અશક્ત વ્યક્તિને મગ ખવડાવવામાં આવે તો તેનામાં બળનો સંચાર થાય છે. આખા મગ કંઈક અંશે વાયુ કરે છે, પરંતુ તેનું ઓસામણ નિર્દોષ ખોરાક છે. તેથી જ લાંબા ઉપવાસ પછી મગના પાણીથી પારણા કરવામાં આવે છે, કારણ કે ઉપવાસ દરમિયાન પાચનતંત્રનું કાર્ય ઘણું જ અલ્પ થઈ જાય છે. પારણા વખતે જો ઠંડા, તીખા-તળેલા કે વાસી ખોરાક લેવામાં આવે તો પાચનતંત્ર ખળભળી ઊઠે છે, જેના કારણે રોગ થવાની શક્યતા વધી જાય છે.
બીજાં દ્વિદળ કઠોળની માફક મગ પણ પ્રોટીનથી ભરપૂર હોય છે. વળી તેમાંથી વિટામિન – એ,બી, ઇ અને ડી પણ મળી રહે છે. તેમાંયે ફણગાવેલા મગ તો પોષણનો ખજાનો છે. જો ગર્ભવતી માતા દરરોજ આહારમાં ફણગાવેલા કઠોળ લે તો ગર્ભસ્થ શિશુ માટે તો ભયો ભયો. ફણગાવેલા મગ ખાવાથી વાળ કાળા, ઘટ્ટ અને સુંવાળા બને છે. ફણગાવેલા મગ તદ્દન મફતમાં એ, બી અને સી વિટામિનો આપે છે. અને તે ચાવી-ચાવીને ખાવાની ટેવ પાડે છે.
 
છેક સત્તરમી સદીથી યુરોપિયન નાવિકો દરિયાઈ સફરે નીકળતી વખતે તેમની સાથે કોથળો ભરીને મગ લઈ જતા અને મુસાફરી દરમિયાન મગ ફણગાવીને ખાતા. બ્રિટન અને જર્મનીમાં તો લોકો સવારના નાસ્તામાં ફણગાવેલાં કઠોળ ખાય છે. ચીનમાં પણ ફણગાવેલા કઠોળનો વ્યાપક ઉપયોગ થાય છે. ચીનમાં તો ૫,૦૦૦ વર્ષ પહેલાંથી મગ ફણગાવવાનું ચલણ છે. આપણે તો અહીં અડધાથી ઓછા ઇંચ ફણગા ફૂટવા દઈએ છીએ, ચીનમાં તો બે-બે ઇંચના ફણગા ફૂટે પછી ખાવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
 
વળી આટલી મોંઘવારીમાં લીલાં શાકભાજી ન પરવડતાં હોય ત્યારે મધ્યમવર્ગની ગૃહિણીઓ માટે ફણગાવેલા મગ અને અન્ય કઠોળ શાકભાજીની બેવડી ગરજ સારે છે. આ અતિપૌષ્ટિક, અતિશક્તિપ્રદ અને અતિલાભદાયી કઠોળનાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. તો તમે પણ આજ રાતથી જ વાટકો ભરીને મગ પલાળીને બીજા દિવસે ફણગાવવાનું શરૃ કરી દો