શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખી પ્રતિભા
Written By વેબ દુનિયા|

વિનાશક અગ્નિનો કલાત્મક ઉપયોગ

PRP.R
વિનાશ અને સર્જન અગ્નિ રૂપી સિક્કાની બે બાજુઓ છે. અગ્નિની સંહારકતાથી દરેક વ્યક્તિ વાકેફ છે. એક તરફ, ભભૂકતી આગની લપટોમાં આવેલી તમામ ચીજો ભસ્મીભૂત થઈ જાય છે. બીજી તરફ, માટીમાંથી ઘડા બનાવતો કુંભાર પોતે બનાવેલી ચીજોને મજબૂતી પ્રદાન કરવા માટે તેઓને આગની ભઠ્ઠીમાં હોમી દે છે. વિશ્વના ખૂણેખૂણે આગની મદદથી જ રસોઈ તૈયાર કરવામાં આવે છે. પારસી લોકો અગ્નિ દેવતાની પૂજા-આરાધના કરે છે. આમ, અગ્નિનો ઉપયોગ રચનાત્મકતા માટે કરવો કે વિનાશ માટે, તે વ્યક્તિના કાર્ય ઉપર આધારિત છે. વડોદરાનો એક અનોખો કલાકાર પ્રજ્વલિત અગ્નિની મદદથી મનમોહક ચિત્રોનુ નિર્માણ કરીને આગનો કલાત્મક ઉપયોગ કરી રહ્યો છે. તે સફેદ કાગળ ઉપર ખાસ પ્રકારનુ કેમિકલ લગાડીને તેની ઉપર આગ ચાંપે છે, અને ત્યારપછી હવાના માધ્યમથી અગનજ્વાળાઓને કાગળ ઉપર ઢાળીને અદભૂત ચિત્ર બનાવે છે. એટલુ જ નહીં પ્રદુષણનુ પ્રતિક ગણાતા ધૂમાડાના ઉપયોગથી તે ચિત્રમાં રંગ પૂરે છે.

PRP.R
કોઈપણ પ્રકારના રંગ અથવા પીંછીના ઉપયોગ સિવાય માત્ર આગની મદદથી મનમોહક પેઈન્ટીંગ્સ બનાવી રહેલા અનોખા કલાકાર કમલભાઈ રાણા(વિશ્રામનગર સોસાયટી, વાસણારોડ, વડોદરા)એ 'વેબદુનિયા' સાથેની વાતચીતમાં પોતાની અદભૂત કળાની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, વિનાશનો પર્યાય ગણાતી આગના ઉપયોગથી તેઓ ચિત્રો બનાવી રહ્યા છે. બાળપણથી જ તેમને અગ્નિ સાથે અજીબ લગાવ રહ્યો હતો. આગના ભડકામાં થતાં ફેરફારો તેમને આકર્ષીત કરતાં હતા. તેઓ પ્રજ્વલિત અગ્નિ સમક્ષ બેસીને તેની જ્વાળાઓની હરકતોનો અભ્યાસ કરતાં હતા. ચિમનીમાંથી નીકળતાં ધૂમાડાનો રંગ અને લાકડાના વહેરને સળગાવ્યા બાદ તેમાંથી નીકળતાં ધૂમાડાના કાળા ડિબાંગ વાદળોને જોઈને તેમની અંદરનો કલાકાર જીવંત થઈ જતો હતો. અગ્નિની જ્વાળોઓના વર્ષો સુધીના નિરીક્ષણ અને અભ્યાસ બાદ તેમણે અંતે આગમાંથી ચિત્ર બનાવવાની અનોખી કળાની શોધ કરી નાંખી.

PRP.R
વર્ષ 1993માં તેમણે આગથી ચિત્રો બનાવવાની શરૂઆત કરી હતી. તેઓ કોરા કાગળ ઉપર કેમિકલ લગાવીને તેની ઉપર આગ ચાંપતા હતા અને ત્યારપછી અગનજ્વાળાઓમાં થતાં ફેરફારોનો અભ્યાસ કરતાં હતા. ત્યારબાદ તેઓ પ્રજ્વલિત અગ્નિની જ્વાળાઓને ફુંક મારીને તેને કાગળ ઉપર અડાડતાં હતા અને તેનાથી અનોખુ ચિત્ર બનાવી દેતાં હતા. ધીરે-ધીરે તેમની કળામાં નિખાર આવતો ગયો અને સમયાંતરે તેમણે આગની મદદથી ચિત્રો બનાવવાની અદભૂત કળા વિકસીત કરી લીધી. આ પ્રકારના ચિત્રો બનાવવા માટે તેઓ કોઈપણ પ્રકારના રંગો તથા પીંછીનો ઉપયોગ કરતાં ન હતા. વર્ષો સુધીના અભ્યાસ અને પ્રેકટીશ બાદ હવે તેમણે અગ્નિમાંથી પેઈન્ટીંગ બનાવવામાં મહારથ હાંસલ કરી લીધી છે. તેમણે પોતાના ચિત્રોના દેશ-વિદેશમાં પ્રદર્શનો કર્યા છે. તેમની અનોખી કળાને લાખો દર્શકોનો હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે.

PRP.R
તેમનો દાવો છે કે, તેમણે બનાવેલા ચિત્રોની નકલ કરવી મુશ્કેલ જ નહીં નામુમકીન છે. અલબત્ત, એકવાર દોરેલુ ચિત્ર તેઓ પોતે પણ બનાવવા માટે સક્ષમ નથી. કારણ કે, તેમનુ ચિત્ર અગન જ્વાળાઓની હરકતો પર આધિન રહેલુ છે. જેથી તેમણે બનાવેલા ચિત્રોની રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ માગ છે. તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા તેમના પ્રદર્શનમાં હજારો દર્શકોએ ભાગ લીધો હતો અને તેમની અનોખી કળાને વખાણી હતી. કેટલાક કદરદાનોએ તેમના ચિત્રોને ઉંચા દામે ખરીદી લીધા હતા. તેમણે કહ્યુ હતુ કે, અગ્નિ સાથે તેમની અનોખી દોસ્તી છે. આગની સાથે રમત રમવી તેમનો શોખ છે. અગ્નિની જ્વાળાઓમાં થતાં ફેરફારોને સમજવાની શક્તિ તેમણે વર્ષોના અભ્યાસ બાદ વિકસીત કરી લીધી છે. આગ સાથે કામ કરવુ અત્યંત જોખમી હોવા છતાંય તેમને ડર લાગતો નથી કારણ કે, તેમના માટે અગ્નિ વિનાશક નહીં પરંતુ સર્જનાત્મક બની ગઈ છે.

અનોખા વ્યક્તિત્વોની અકલ્પનીય કાર્યસિદ્ધી વિષેના અહેવાલો વાંચવાં અહીં ક્લિક કરો...


- અલ્કેશ વ્યાસ