ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 15 ઑક્ટોબર 2021 (15:33 IST)

‘દશેરા મહોત્સવ’ ની સાથે સાથે.. દંડકારણ્ય વનની અજાણી વાતો, જેનો રામાયણ અને મહાભારતમાં છે ઉલ્લેખ

રામાયણ અને મહાભારત કાળમા પણ જેનો ઉલ્લેખ થયો છે, એવા દંડકારણ્ય-ડાંગ પ્રદેશ સાથે અનેક ઐતિહાસિક, સાંસ્કૃતિક, અને આધ્યાત્મિક બાબતો જોડાયેલી છે. તો કેટલીક માન્યતાઓ, લોકવાયકાઓ, અને સ્થાનિક આસ્થા પણ અહીં પ્રચુર માત્રામા જોવા મળે છે. અહીં પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ, અને માતા સીતાજીના પાવન પગલાઓ પડી ચુક્યા છે. તો પાંચ પાંડવો પણ તેમના અજ્ઞાતવાસ દરમિયાન અહીના વન પ્રદેશમા રાતવાસો કરી ચુક્યા છે, તેવી દ્રઢ માન્યતા છે.
Unknown stories of Dandakaranya forest,
‘અંધારિયા મુલક’ તરીકે એક જમાનામા ઓળખાતા આ પ્રદેશ ઉપર, ભૂતકાળમા બ્રિટિશરોનો ડોળો પણ ફરી વળ્યો હતો. તો જગદગુરુ આદી શંકરાચાર્ય સહિતના અનેક નામી અનામી સાધુ, સંતો, મહાત્માઓ, ઋષિમુનિઓ, ધર્મ સંપ્રદાયના વડાઓ, અને રાજકિય આગેવાનોની ગતિવિધિઓથી પણ સતત આ પ્રદેશ જીવંત રહેવા પામ્યો છે.આવુ અનોખુ માહાત્મ્ય ધરાવતા ડાંગ પ્રદેશમા પ્રથમવાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્ય કક્ષાના ‘દશેરા મહોત્સવ’નુ આયોજન કરાઇ રહ્યુ છે. ત્યારે આવો, આ સ્થળ અને તેના માહાત્મ્ય વિશે,આછેરો પરિચય મેળવીએ,જે પ્રાસંગિક લેખાશે.
શબરી ધામ :
પ્રભુ શ્રીરામમા અતૂટ આસ્થા અને શ્રદ્ધા, તથા પ્રભુભક્તિનુ ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત એટ્લે ‘માં શબરી’.પ્રભુ દર્શન અને પ્રભુ મિલનની અદમ્ય ચાહના સાથે આખો જન્મારો પ્રભુ શ્રી રામની પ્રતિક્ષા કરનારી ‘શબરી’ ને તેના ગુરુ માતંગ ઋષિએ, એક દિવસ તેની આ મનોકામના ચોકકસથી જ પૂરી થશે તેવા આશીર્વાદ આપ્યા હતા.
 
પૂર્વ જન્મમા રાજકુમારી તરીકે જન્મેલી રાજકન્યા ‘શબરી’ ને, તેની ભક્તિમા રાજકુળ આડે આવતુ હોવાને કારણે, તેણીએ તેના ઇષ્ટદેવ પાસે સંપૂર્ણ ભક્તિમય માહોલમા તેનો બીજો જન્મ થાય તેવી પ્રાથના કરી હતી. જેને લઈને તે જંગલ પ્રદેશમા જન્મી, અને આખો જન્મારો પ્રભુ ભક્તિમા લીન રહીને, માતંગ ઋષિના આશ્રમમા આશ્રય મેળવ્યો હતો તેવી વાયકા છે.
 
જેમના આશીર્વાદથી સીતા માતાની શોધમા નીકળેલા પ્રભુ શ્રી રામ અને, ભ્રાતા લક્ષ્મણ દંડકરણ્યના વન પ્રદેશમા ‘શબરી’ના નિવાસ સ્થાન એવા ‘ચમક ડુંગર’ઉપર ત્રેતાયુગમા ભગવદલીલા અનુસાર આવી પહોંચ્યા હતા.
 
પ્રભુ શ્રી રામની આજીવન રાહ જોનારી ‘શબરી’ને વૃદ્ધાવસ્થાએ તેની અદમ્ય ઈચ્છા અને પ્રભુ ભક્તિથી આકર્ષાયને, શ્રી રામે ભ્રાતા લક્ષ્મણ સહિત આ સ્થળે દર્શન આપ્યા. માત્ર દર્શન જ નહી પરંતુ શબરીએ જંગલમાંથી ચૂંટેલા, અને ચાખી ચાખીને અલગ તારવેલા મીઠા મધુર બોર પણ, તેણીના હાથે આરોગીને પ્રભુ શ્રી રામે ઊંચનીચના ભેદનો પણ છેદ ઉડાડી દીધો હતો.
 
પંપા સરોવર
રામાયણ કાલિન ત્રેતાયુગમા મહાતપસ્વી, યોગી, ત્યાગી,વીતરાગ, અને સિદ્ધ મહાત્મા તરીકે ખ્યાતિ પ્રાપ્ત શ્રી માતંગ ઋષિ હંમેશા સમાધિષ્ઠ રહેતા હતા. તેમના અહિંસા વ્રતના આગ્રહ અને પાલનના કારણે તેમના આશ્રમની ચારો તરફ વિરોધી સ્વભાવના જીવ જંતુઓ પણ ખુબજ સદભાવપૂર્વક નિવાસ કરતા હતા. વાલ્મિકી રામાયણના અરણ્યકાંડ મુજબ ‘માં શબરી’ એ પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણને પંપા સરોવરને તીરે સ્થિત ઋષિ આશ્રમની મુલાકાત કરાવી હતી.યોગ સાધના દ્વારા પોતાના શરીરનો ત્યાગ કરનારા માતંગ ઋષિએ ‘માં શબરી’ને અહિજ તેણીને પરબ્રહ્મ, શ્રી રામના સ્વરૂપમા દર્શન આપશે તેવા આશીર્વાદ આપ્યા હતા. જે ફળીભૂત થતા‘માં શબરી’ એ પણ યોગાગ્નિ દ્વારા તેના શરીરનો ત્યાગ કરીને બ્રહ્મલોકમા પ્રસ્થાન કર્યું હતુ. વાલ્મિકી રામાયણમા ‘માં શબરી’એ વર્ણવેલુ માતંગ ઋષિનુ આ ચરિત્ર વર્ણન નિસ્કલંક, આદર્શ, અને તપોમય સિદ્ધ થયુ છે.
 
શબરી કુંભ :
‘શબરી ધામ’ અને ‘પંપા સરોવર’ ની દંડકારણ્યની આ પવિત્ર ભૂમિ પર સને ૨૦૦૬ મા ગુજરાતના ખ્યાતનામ કથાકાર શ્રી મોરારી બાપુની ‘રામ કથા’ યોજાઇ હતી. વ્યાસપીઠ ઉપરથી બાપુએ આ વેળા અહી ‘શબરી કુંભ’ થાય તેવી ઈચ્છા પ્રગટ કરી હતી. જેને આ વિસ્તારના ભક્તગણોએ ઉપાડી લઈ,‘ન ભૂતો-ન ભવિષ્યતિ’ જેવા પ્રથમ ‘શબરી કુંભ’ નુ આયોજન કર્યું હતુ.
 
ભારત વર્ષમા યોજાતા ચાર શાસ્ત્રોક્ત કુંભમેળા હરિદ્વાર, પ્રયાગ રાજ-અલ્હાબાદ, ઉજ્જૈન અને નાશિક ઉપરાંત પાંચમો અને વિશિષ્ટ કુંભમેળો અહી આયોજિત કરાયો હતો.જેમા ભારતવર્ષના સાધુસંતો, ઋષિમુનિઓ, રાજકિય મહાનુભાવો સહિત દેશભરના રામભક્તોએ ભાગ લીધો હતો. ધર્મસભાઓ, ધર્મચર્ચાઓ, અને ભક્તિમય માહોલમા યોજાયેલા‘શબરી કુંભ’ ને હજી પણ સ્થાનિક પ્રજાજનો સુખદ સ્મૃતિ તરીકે યાદ કરે છે. 
 
દંડકરણ્ય ડાંગ પ્રદેશની આસપાસ નજર કરીએ તો ઉષ્ણ અંબિકા ધામ ‘ઉનાઇ’ અને ત્યાંના ગરમ પાણીના કુંડ, ડાંગના જંગલમા આવેલુ ઝરી-વાડયાવન પાસેનુ‘સીતાવન’, અંજનકુંડનો અંજની પર્વત,અટાળા ડુંગર અને પાંડવા ગામની પાંડવ ગુફા, દ્રોણાચાર્ય સાથે સંકળાયેલુ ડોન, અને પાડોશી મહારાષ્ટ્ર રાજ્યની હદ્દમાઆવેલો નાશિકનો ‘પંચવટી’વિસ્તાર.
 
કઈ કેટલીય માન્યતાઓ તથા ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને કાળના ગર્ભમા ધરબીને બેઠેલા આ પ્રદેશની રીતભાત, રિતરિવાજ, અને લોકજીવન પણ નોખી અને અનોખી ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યુ છે. ત્યારે ‘દશેરા મહોત્સવ’ પણ આ વિસ્તારને નવી ઉર્જા પૂરી પાડવા સાથે અહીના પ્રજાજનોમા નવો જોમ અને જુસ્સો જગાવશે તેમા કોઈ બેમત નથી.
 
ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડએ નવ-નવ દિવસની શક્તિ ઉપાસના બાદ, વિજયનો શંખનાદ કરતા,‘દશેરા મહોત્સવ-વિજયા દશમી’ ની ઉજવણી કરીને લંકાના રાજા રાવણ ઉપર ભગવાન શ્રી રામચંદ્ર એ મેળવેલા વિજયઘોસનો નારો, ફરી એકવાર ગુંજતો કર્યો છે. જે વર્ષો સુધી અહીના લોકોના મન મસ્તિસ્કમા ગુંજતો રહેશે.