Bahula Chauth 2025 - આજે બોળ ચોથ, જાણો વ્રત કથા અને પૂજા વિધિ
Bahula Chauth 2025 બોળ ચોથ વ્રત કથા - બોળ ચોથ શ્રાવણ વદ 4 ના દિવસે ઉજવવામાં આવે છે. જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઊજવતા હોય છે. આ વર્ષે 2025માં બોળ ચોથ 12 ઓગસ્ટના રોજ ઉજવાશે. મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી ખાવી નહી તેવી માન્યતા છે. આજે અમે આપને જણવીશુ બોળ ચોથની પૂજા વિધિ અને વ્રત કથા વિશે માહિતી.
બોળ ચોથની વ્રત વિધિ - શ્રાવણ વદ 4 ના દિવસે બહેનોએ વહેલા ઉઠવુ. નાહી ધોઈને પૂજા કરવી. સવારે બોળચોથની કથા કરવી અને બીજાને સંભળાવવી. કોઈ ન હોય તો ઘી નો દિવો કરી કથા કરવી. ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવા ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે. આ દિવસે વ્રત કરનારે સવારે નિત્યકામમાંથી પરવારી કંકુ, ચોખા, તથા ફૂલના હારથી ગાય-વાછરડાનું પૂજન કરવું અને એક ટાણું કરવું. ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં. બોળચોથના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં
બોળચોથ પછીના બીજા દિવસે નાગપાંચમ આવે છે, તે પછી રાંધણછઠ્ઠ, શીતળાસાતમ, જન્માષ્ટમી અને નોમના પારણા, આ સમગ્ર તહેવારની શરૂઆત બોળ ચોથથી થાય છે. વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનો મેળો ભરાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળચોથનું વ્રત કરે છે. બોળચોથની વાર્તા સાંભળે છે. સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ વસ્તુ ખાતી નથી, કે ઘઉંની કોઈ વાનગી પણ ખાતી નથી, ઘઉ દળતી પણ નથી. તેમજ શાકભાજી પણ સુધારતી નથી, ગાય-વાછરડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે.
શું છે બોળચોથ કથા ?
બોળચોથ વિશે એક પ્રાચીન વાર્તા છે. એક નવી વહુ ઘરે આવી. તેના સાસુએ તેને ઘઉંલો ખાંડવાનો કીધો. ઘઉંલો એટલે 'ઘઉં' એવો અર્થ હતો, પણ વહુએ ઘઉંને બદલે તેના ઘરમાં વાછરડો કે જેનું નામ પણ 'ઘઉંલો' હતો તેને ખાંડી નાખ્યો. સાસુએ જોયું તો લોહીથી ખાંડણિયો ખદબદતો હતો. સાંજનો સમય થવા આવતો હતો, સાસુ વહુ ગાય આવે તે પહેલા વાછરડાને ઉકરડામાં નાખી આવ્યા. ગાય આવી તો તેણે વાછરડો ન જોયો. તે ભાંભરડા નાખવા લાગી. ગાય તો ઉકરડે પહોંચી. ત્યાં તેણે ભાંભરડા નાખ્યા તો વાછરડો ઊભો થયો. ગાય સાથે વાછરડાને પણ પાછા આવતા જોઈ સાસુ-વહુ બન્નેએ તેનું પૂજન કર્યું. ત્યારથી ઘઉંની વાનગી અને ગાયના દૂધની વાનગી એક દિવસ ન ખાવાની શાસ્ત્રોક્ત મનાઈ કરવામાં આવી છે. ત્યારથી વાછરડા સાથે ગાયનું પૂજન થતું આવે છે
પૌરાણિક કથા
પૌરાણિક ગ્રંથો અનુસાર, કામધેનુ ગાય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જોવા માટે 'બહુલા'ના રૂપમાં નંદની ગોશાળામાં પ્રવેશી હતી. કૃષ્ણજીને આ ગાય ખૂબ પસંદ હતી, તેઓ હંમેશા તેની સાથે સમય વિતાવતા હતા. બહુલા પાસે એક વાછરડું પણ હતું, એકવાર બહુલા ચરવા માટે જંગલમાં ગઈ, ચરતી વખતે તે ઘણી આગળ નીકળી ગઈ અને એક સિંહ પાસે પહોંચી ગઈ. સિંહ તેને જોઈને ખુશ થઈ ગયો અને તેને પોતાનો શિકાર બનાવવાનું વિચારવા લાગ્યો. બહુલા ડરી ગઈ, અને તે ફક્ત તેના વાછરડા વિશે જ વિચારતી હતી. સિંહ તેની તરફ આગળ વધ્યો, બહુલાએ તેને કહ્યું કે ઘરમાં તેના વાછરડાને ભૂખ લાગી છે, તે તેને ખવડાવીને પાછી આવશે, પછી તે તેને પોતાનો શિકાર બનાવશે.સિંહે કહ્યું હું તારી વાત કેવી રીતે માની શકું? પછી બહુલા તેને ખાતરી આપે છે અને શપથ લે છે કે તે ચોક્કસપણે આવશે. બહુલા પછી ગૌશાળામાં જાય છે અને વાછરડાને ખવડાવે છે, અને તેને પ્રેમથી ત્યાં છોડીને જંગલમાં સિંહ પાસે પાછી આવે છે. સિંહ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વાસ્તવમાં તે સિંહના રૂપમાં ભગવાન કૃષ્ણ છે, જે બહુલાની પરીક્ષા કરવા આવે છે. શ્રી કૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે, અને બહુલાને કહે છે કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સમગ્ર માનવજાત દ્વારા તમારી પૂજા કરવામાં આવશે અને સમગ્ર જાતિ તમને માતા ગાય તરીકે સંબોધશે અને જે આ વ્રતનું પાલન કરશે તેને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય અને સંતાન પ્રાપ્તિ થશે.